મીઠીરોહરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાયેલ દારૂનો જથ્થો ઝડપી પાડી 71.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી સાયબર ક્રાઈમ પોલીસ સરહદી રેન્જ ભુજ-કચ્છ

સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ગેરકાયદેસર પ્રવૃતિ ડામવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીધામમાં રહેતો ભરત મોહન ભાનુશાલીએ બહારના રાજયમાથી વિદેશી દારૂ HR-56-A-7596 ટ્રેલર દ્વારા મંગાવેલ છે અને હાલમાં ઉપરોક્ત ટ્રેલર મીઠીરોહર સીમમાં આવેલ સર્વે નં.490માં પાર્કિંગ પડેલ છે ઉપરાંત આરોપી ભરત MH-47-AN-4044 કાર દ્વારા દારૂ ભરેલ ટ્રેલર લેવા આવવાનો છે.

પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત પ્લોટ પર દરોડો પાડતા બાતમી હકીકત વાળી કાર મળી આવી હતી. પોલીસે કારમાં બેઠેલ આરોપી સંજય કુમાર માતાદીન શર્મા તથા ભરત મોહનભાઇ ભાનુશાલી તેમજ ટ્રેલરમાં રહેલ આરોપી કપીલ રમેશ નૈનને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીની પુછપરછ કરતાં ચોખાની સાથે દારૂની પેટીઓ હોવાની કેફિયત આપી હતી. જેથી પોલીસે ટ્રેલરની તલાસી લેતા ચોખાની આડમાં છુપાવેલ 3611 નંગ વિદેશી દારૂની બોટલો તથા 4680 નંગ બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ટ્રેલર કિ.રૂ. 35,00,000, ચોખાની બોરીઓ નંગ 600 કિ.રૂ.7,50,000 તેમજ 14,30,300નો શરાબનો જથ્થો, એક કાર કિ.રૂ. 10,00,000, રોકડ રૂપિયા તેમજ 3 મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ.71,26,380નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.

પોલીસે પકડાયેલ ટ્રેલર ડ્રાઈવર કપીલ રમેશ નૈનને દારૂના જથ્થા અંગે પુછપરછ કરતાં ઝઝર(હરિયાણા)માં રહેતા ટ્રાન્સપોર્ટર રવી જાંટે ભરાવી આપ્યો હોવાનું અને ગાંધીધામમાં ભરત ભાનુશાલીને આપવાનું હોવાની કેફિયત આપી હતી. પોલીસે પકડાયેલ આરોપી ભરત ભાનુશાળીને પૂછતા આ દારૂનો જથ્થો કિડાણામાં રહેતા તેના ભાગીદાર મયુરસિંહ બચુભા ઝાલાએ પંજાબના રાકેશજી તથા કમલસિંગ પાસેથી મંગાવ્યો હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન ઉપરોક્ત ચારેય આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.