બિપરજોય વાવાઝોડા, ચોમાસાની ઋતુ તેમજ કુદરતી આપતીને પહોંચી વળવા બોટાદમાં ૫ જેટલી ઇમરજન્સી મેડિકલ ટીમ તૈનાત
અંદાજે ૨૦ જેટલા આરોગ્યના અધિકારીશ્રીઓ-કર્મચારીઓને જરૂરી દવાઓ- સાધન સામગ્રી સાથે સ્ટેન્ડબાય રહેવા કરાયો આદેશ
હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા સહિતના વિસ્તારોમા સંભવિત બિપરજોય વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના નેતૃત્વમાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અન્વયે વાવાઝોડા, ચોમાસાની ઋતુ તેમજ કુદરતી આપતીને પહોંચી વળવા તેમજ જરૂર જણાયે અન્ય જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા સત્વરે મેડીકલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળા સહિત કુલ ૫ જેટલી આરોગ્યની મેડિકલ ટીમોમાં અંદાજે ૨૦ જેટલા આરોગ્યના અધિકારીશ્રીઓ-કર્મચારીઓને પોતાના હેડક્વાર્ટર પર જરૂરી દવાઓ, સાધન સામગ્રી સાથે સ્ટેન્ડબાય રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આદેશ કરાયો છે.