હરિયાણાની પેટ્રો ઓઇલ્સ કંપની સાથે રાજસ્થાનના શખ્સો દ્વારા ઓઇલના સોદા બાદ નાણાં ન અપાતાં 74.50 લાખની ઠગાઇનો એકાદ વર્ષ જૂનો મુદ્દો મુંદરા પોલીસ મથકમાં દર્જ કરાવાયો છે.
આ અંગે રાજકોટમાં રહેતા ધવલ રમેશભાઈ લાલકિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર હરિયાણાની પેટ્રો ઓઇલ્સ નામની કંપની દ્વારા દુબઇથી ડિસ્ટીલેડ ઓઇલનો 184.100 ટન જથ્થો મુંદરા મધ્યે આવેલી સૌરાષ્ટ્ર સી.એફ.એસ. નામની કંપનીમાં આવ્યો હોઇ તેનું ક્લિયરિંગ સારથિ શિપિંગ દ્વારા કરવામાં આવ્યા પછી અલગ-અલગ જગ્યાએ પાર્ટીઓને વેચવામાં આવ્યો હતો.
જેમાં રાજસ્થાનના જયપુરના રહેવાસી અનુપસિંહ જમનસિંહ રાઠોડ દ્વારા 75 ટન ઓઇલ વેચવામાં આવ્યું હતું, જે માલ ઉપાડવા માટે તેઓએ જી.જે. 12 બી.એક્સ. 7108, જી.જે. 12 બી.વાય. 1826 અને જી.જે. 12 એ.યુ. 5337 નંબરના ત્રણ ટેન્કર મોકલાવેલ હતા. આ માલના રૂપિયા આપવાના બાકી હોવા છતાં ત્રણે ટેન્કર બીલ બનાવ્યા વગર હંકારી જવાયા હતા, જેની ફરિયાદ વર્ષ પહેલા કંપનીના માલિક સચીન ગોયલે દ્વારા 3-6- 2022માં મુંદ્રા પોલીસ મથકે નોંધાવાઈ હતી.
ત્યારબાદ આ ત્રણ પૈકીનું GJ-12-બીવાય1826- ટેન્કર ગાંધીધામ રેલવે પોલીસની હદમાં પકડાયા બાદ છોડાવી લેવાયું હોવાની જાણ કંપનીના માલિક સચિન ગોયલને થતાં તે અંગે આઈ.જી. સાહેબ બોર્ડર રેન્જ ભુજના કંટ્રોલ રૂમમાં ફોનથી અરજી અપાઇ હતી. ત્યારબાદ તપાસ કરતાં તે ટેન્કરમાં એલ.ડી.ઓ. ભરેલું હોવાના આધારો ગાંધીધામની જય અંબે ટ્રેડિંગ કંપની દ્વારા રજૂ કરાયા બાદ ટેન્કર છોડાવાયું હોવાન જાણવા મળ્યું હતું.
રાજસ્થાનના અનુપસિંહ રાઠોડ તથા તેના મળતિયા દ્વારા 74,53,000ની કિંમતનું 74.530 કિલો ઓઇલ બારોબાર સગેવગે કરી ઠગાઇ કરાઈ હોવાનું ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.