ભુજમાં પાર્ક કરેલ કારમાથી મોબાઈલ તથા રોકડ રકમ સેરવાઈ
ભુજમાં પાર્ક કરેલ ફોરવ્હીલરમાથી મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી 24000ની મત્તા સેરવાઈ હોવાની ફરિયાદ ભુજ એઇ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે મુકેશભાઈ તુલશીભાઈ પરમારે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. ફરિયાદી ગઈ કાલે સવારે GJ-06-HM-5578 ફોર વ્હીલર દ્વારા શાકભાજી ખરીદી, ગાડીને ઇન્દ્રાબાઈ ગલ્સ હાઈસ્કૂલ રોડની સાઈડમાં પાર્ક કરી શાકભાજીનું વેચાણ કરવા માટે ગયા હતા. ફરિયાદીને એકાદ કલાક બાદ મોબાઈલની જરૂરત પડતાં ગાડીમાં પર્સ તથા મોબાઈલ રહી ગયા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ગાડી પાસે ગયા હતા. ત્યાં જઈ જોતાં ખાલી સાઈડના દરવાજાનો કાંચ થોડો ખુલ્લો રહી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. ચોરે ખુલ્લા રહેલ કાંચનો લાભ ઉઠાવી મોબાઈલ ફોન કિ.રૂ. 8000 તથા રોકડ રકમ 16000, તથા ડ્રાઈવિંગ લાયસન્સ મળી 2400ની મત્તા સેરવી લીધી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.