કચ્છ જીલ્લામાં થયું વર્ષારુતુંનું આગમન તેની સાથોસાથ કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી
કચ્છમાં મંગળવારે ચોમાસાનો વિધિવત પ્રવેશ થતાં જ માંડવી અને મુન્દ્રામાં બે ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેમજ નલિયા ખાતે પણ પોણો ઇંચ જેટલું પાણી જોવા મળ્યું હતું તો ભચાઉ પંથકમાં પણ વરસાદ ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે બુધવારે પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. માંડવીમાં ગઈ રાતે અને મંગળવારે સવારે મળીને બે ઇંચ જેટલો વરસાદ વરશ્યો હતો. શેરડી, વાંઢ, ગઢશીશા, ભાડઇ, હમલા, મંજલ, ગંગાપર, રતડિયા, ઘોડાલખ જેવા વિસ્તારોમાં ગઈ રાત્રે બેથી ત્રણ ઇંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે.
લુડવા, કોટડી, પોલડિયા, મકડા, રાજપર સહિતના ગામોમાં પણ વાવાઝોડા બાદ થયેલા વરસાદ બાદ વાવણી કાર્ય માટેની તૈયારીઓ જોરમાં થઈ રહી છે. સમયસર વરસાદનું આગમન થતાં વેરાન વગડામાં ઘાસ ઉગી નીકળ્યું છે. જેના પરીણામે હાલમાં ચારાનો પ્રશ્ન હલ થઇ ગયો હોવાનું માલધારીઓએ કહ્યું હતું. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામા સવારે વરસાદી ઝાપટાનો માહોલ જોવા મળ્યો હતો. ભુજ તાલુકાના અન્ય કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. લખપત તાલુકાના કોટડામા બપોરે 12 વાગ્યાના અરસામાં મેઘરાજાનું આગમન થયું હતું. અને એક કલાકમાં એક ઇંચ જેટલી મેઘકૃપા થઈ હતી.