કચ્છમાં નશીલા પદાર્થ મળવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો : જખૌ ખાતે BSFને એક કી.ગ્રા.નું ચરસનું પેકેટ મળી આવ્યું
પશ્ચિમ કચ્છના સીમાવર્તી દરીયાઈ વિસ્તારમાં અવારનવાર માદક પદાર્થના પેકેટ મળવાના કિસ્સાઓ સામે આવેલ છે. ત્યારે આજે ફરી એક વખત એક કિલોગ્રામ વજન ધરાવતું ચરસનું પેકેટ બોર્ડર સિક્યોરટી ફોર્સના જવાનોને સર્ચ ઓપેશન દરમિયાન બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. અબડાસાના જખૌથી નવ કિલોમીટર દૂર કુંડી બેટ પરથી આ પેકેટ મળી આવેલ હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર BSF દ્વારા કરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં,ચરસનું 01 પેકેટ મળી આવેલ હતું. પેકેટના પેકિંગ પર અફઘાન પ્રોડક્ટ છાપેલ હોવાનું સામે આવ્યું છે. અને આ પ્રકારના ચરસના પેકેટ આ વિસ્તારમાંથી અગાઉ પણ મળી આવેલ છે. આ વર્ષના એપ્રિલ માસના મધ્યથી જખૌ દરિયા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ચરસના 29 પેકેટ મળી આવ્યા છે. બીએસએફ મારફતે આ વિસ્તારમાં વિસ્તૃત શોધખોળ શરૂ કરી દેવાઈ છે.