સામખિયાળીમાં આંખલની હડફેટે ચડેલા રાહદારી મહિલાનું મોત નિપજ્યું, મુંબઈથી ખાસ ચાતુર્માસ પ્રસંગે આવેલા

copy image

કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ગામે પણ આંખલાઓનો કાયમી ત્રાસ હોવાના અહેવાલો સમયાંતરે સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતા રહ્યા છે, તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા અંતે આંખલા યુદ્ધ એક મહિલા માટે જીવલેણ સાબિત થયું હોવાનું બહાર આવ્યું છે. મૂળ સામખિયાળીના અને હાલ મુંબઈના મલાડમાં રહેતા 47 વર્ષીય જીજ્ઞા વિનોદ ગડા ચાતુર્માસના ધાર્મિક પ્રસંગે આંહી આવ્યા હતા. દરમિયાન ગઈકાલ બપોરે જૈન દેરાસર પાસે તેઓ મોબાઈલ ફોન જોઈ રહ્યા હતા ત્યારે યુદ્ધે ચડેલા આંખલા ઓએ હતભાગી ને હડફ્ટે લીધા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મહિલાને સ્થાનિકે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગાંધીધામ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા , જ્યાં સારવાર મળે તે પહેલાજ ગત મોડી રાત્રે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગે તેમના નિકટના લખું ગડા એ દાવો કરતા જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ જૈન દેરાસર ખાતે ધજા પ્રસંગે સામેલ થવા જતા હતા ત્યારે બે આંખલાઓની વચ્ચે આવી ગયા હતા, જેમાં એક આંખલાએ મહિલાએ તેમને સિંગડેથી ઉંચકીને જમીન પર પટકી દેતા ગંભીર ઇજા પામ્યા હતા. માથાના ભાગે ઇજા પહોંચતા ખૂબ લોહી વહી ગયું હતું. સ્થાનિક અને ગાંધીધામ સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયું હતું. બનાવના પગલે જૈન સમાજ સાથે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. હતભાગી ના અવસાનથી પુત્ર એ માતાની છત્રછાયા ગુમાવી પડી છે.