અંજારમાં ભારે વરસાદના પગલે મોડવદર વહેણમાં ફસાયેલ મજૂરોને બચાવાયા

અંજારમાં ગત બપોરથી 16 કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદના કારણે અંજાર તાલુકામાં ઠેર-ઠેર નદી નાળાં બે કાંઠે વહી રહ્યાં છે.

આજે સવારે મોડવદર ગામ પાસે 9 મજૂરોને લઈ જતી બોલેરો જીપ નદીના ધસમસતાં વહેણમાં ફસાઈ જતાં ગ્રામજનોએ પ્રથમ દોરડાં વડે મજૂરોને વહેણમાંથી સલામત રીતે બહાર કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ વહેણ અતિ વેગવાન હોતા નિષ્ફળતા મળી હતાં. ત્યારે ગામના સરપંચ શંભુ ડાંગરે ફાયર બ્રિગેડને જાણ કરી લશ્કરોને બોલાવ્યાં હતાં. આ દરમિયાન ગ્રામજનોએ ભારેખમ કન્ટેનર ટ્રકને વહેણમાં ઉતારી બોલેરોમાં ફસાયેલાં મજૂરોને તેમાં બેસાડી સલામત રીતે બહાર કાઢયા હતા .