પાણીની વિપુલ પ્રમાણમાં આવકથી અનેક જળાશયો ઓવરફ્લો થતાં કચ્છડો ખીલી ઉઠ્યો

કચ્છ જીલ્લામાં અઠવાડીયા દરમિયાન સામાન્યથી અતિ ભારે વરસાદ થયો હોવાથી કેટલાક ડેમમાં ઝડપથી પાણીની આવક થઈ રહી છે. મહત્વની બાબત એ છે કે, ચોમાસાં પ્રારંભમાં જ જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમોમા હાલમાં 54 ટકા જેટલો જળરાશિનો જથ્થો એકઠો થઈ ગયો છે. તેમજ આગામી દીવસોમાં હજુ પણ ચોમાસુ બાકી છે જેથી કચ્છ જિલ્લામાં ભારે પ્રમાણમાં પાણીની આવક થવાની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ છે.
આ બાબતે મળેલ માહીતી અનુસાર કચ્છમાં મધ્યમ સિંચાઈના 20 ડેમો છે. જેમાં શહેરી વિસ્તારોમાં પાણી પહોચાડવા જે ડેમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે એવો અંજાર ખાતે આવેલ ટપપર ડેમ છલકાઈ ગયેલ હોવાથી તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નજીકના નીચાણવાળા ટપપર અને ભીમાસર જેવા ગામમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. આ ડેમમાં હાલમાં 89 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ હજી પણ વધુ પાણીની આવક પ્રવર્તમાન છે.
બિપારજોય વાવાઝોડા ના કારણે પડેલ વરસાદમાં કચ્છના ડેમો, નદીઓ તેમજ તળવોમાં જળ સ્તર ઊંચા આવેલ છે. તેમજ વરસાદી પાણીના લીધે કચ્છનાં ડેમોમાં પાણીની સારી આવક થવા પામી છે. સિંચાઈ અંગેના કેટલાક ડેમો ઓગની ગયા છે જ્યારે તળાવ અને નદીઓ પણ છલકાઈ રહી છે. પાણીની વિપુલમાત્રામાં આવકના લીધી કચ્છ લીલું છમ વાતાવરણ થયું છે.