અંજારમાં ફરી એકવાર ફાયરિંગ ઘટના આવી સામે: યુવાન પર ફાયરિંગ થતાં ચકચાર

અંજારના ઓકટ્રોય ચોકી નજીક પાનમસાલાની દુકાન પાસે સામાન્ય બાબતે એક યુવાન સાથે ઝઘડો કરી ત્યારબાદ મારી નાખવાના ઈરાદે તેના ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી. આ ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અંજારના ઓકટ્રોય ચોકી નજીક પાનમસાલાનીની દુકાન પાસે રાત્રે આ ફાયરિંગની ઘટના બની હતી. આ અંગે રામકૃષ્ણ મહાવીર નગર-1માં રહેતા અમન મોહન પાટડિયા ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેના મિત્ર હિરેન ખાંડેકા તથા નીરવ સોની સાથે પાન-માવાની દુકાને ઊભા હતા. ત્યારે ફરિયાદીની સોસાયટીની બાજુમાં જ રહેતા સુનીલ મહેશ્વરી, ભરત મહેશ્વરી, ભાવેશ મહેશ્વરી, કમલેશ મહેશ્વરી, સંજય મહેશ્વરી તથા કાળું ટી-શર્ટ પહેરેલ એક શખ્સ ત્યાં આવી નીરવ સોની સાથે બોલાચાલી તેને લાફા ઝીંકયા હતા. તેવામાં હિરેન ખાંડેકાએ કેમ મારો છો તેવું પૂછતાં આ શખ્સોએ તેને પણ ગાળો આપી હતી અને વચ્ચે પડશો તો કુટી નાખશું તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ ફરિયાદી અને તેના મિત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેમના વાહનો ત્યાં રહી જતાં તે પોતાનાં વાહનો લેવા ગયા હતા, ત્યારે સુનીલ પિસ્તોલ સાથે તથા અન્ય શખ્સો ધોકા લઈને ત્યાં આવ્યા હતા અને સુનીલે ફરિયાદીને મારી નાખવાના ઈરાદે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેવામાં ફરિયાદી હટી જતાં તે બચી ગયા હતા અને આરોપીઓ ત્યાં આવી ધોકા વડે આડેધડ હુમલો કરતાં ફરિયાદી રામજી મારાજ, હિરેન ગોસ્વામીને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને લોહીયાળ હાલતમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.

આ બનાવથી આસપાસના લોકો ત્યાં એકત્ર થઈ જતાં આરોપીઓ નાસી ગયા હતા. બનાવ બાદ પોલીસ ત્યાં ધસી ગઈ હતી અને બનાવવાળી જગ્યાએથી ખાલી કારતૂસ કબ્જે કર્યા હતા. પોલીસે સાત શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી બે શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા.