રાપર તાલુકાનાં આડેસર ગામ ખાતે સરકારી-ગૌચર સહિતની જમીન પર ગેરકાયદેસર દબાણ કરાયા
copy image
રાપર તાલુકાના આડેસર ગામમાં આવેલ સરકારી, ગૌચર, તળાવ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન પર દબાણો મૂકી દેવાયા હતા. અમુક સ્થળોએ તો ટાવર્સ પૈકીની ભૂમિ પર પંચાયતની ખોટી આકારણી બનાવી હોટેલો તૈયાર કરી દેવામાં આવી હતી. આ ઘટના બાબતે તુરંત કાર્યવાહીની માંગ સાથે કચ્છ કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાઈ હતી. આડેસર ગામના સરપંચ એવા ગાયત્રીકુંવરબા અજયપાલસિંહ જાડેજા દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર આડેસર ગામમાં સેવા સહકારી મંડળીની જમીન પૈકી અમુક ભાગ પાડી દેવાયા હતા. આડેસર ગામના ફાટકથી પોલીસ સ્ટેશન સુધીની જમીન પર દબાણો ખડકી દેવાયાં હતાં તેમજ ખોટી આકારણી બનાવી પોતાના પરિવારજનો તેમજ નજીકના લોકોને લાભ પહોંચાડનાર પૂર્વ સરપંચ અને તેમની સાથેના લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
ભૂમાફિયાઓ દ્વારા ગામમાં આવેલી પી.એચ.સી.ની જમીનને પણ બક્ષવામાં આવેલ નથી તેના ઉપર પણ દબાણ ખડકી દેવાયું હતું. આડેસર ગામના તળાવની જમીન પર શખ્સોએ ઓગન બંધ કરી દબાણ ખડકયું હતું. તે દરમીયાન ગૌચર સહિતની જમીનો હડપનાર વ્યક્તિઓની લોકો દ્વારા સરપંચ સમક્ષ રજૂઆતો કરાઈ હતી, જેથી આ બાબત અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ આરોપીઓ સામે વધુ ઝડપી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી.