શાપરમાં વિજ શોક લાગતા બે બાળકો સહિત ત્રણ લોકો ઘવાયા
શાપરમાં વિજ શોક લાગતા બે બાળકો સહિત ત્રણ લોકો ઘવાયા હતા. જેમાં શાપરમાં ઇલેક્ટ્રિક તાર તૂટતાં થાંભલા નીચે રમતા બે બાળકો ગંભીર રીતે દાઝયા હતા. જેમને તુરંત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, શાપરમાં શીતળા મંદિર પાસે રહેતા અંકિત રામાકાંત પાસવાન અને સુમિત રાકેશ મિસ્ત્રી બંને ઘર પાસે થાંભલા પાસે રમતા હતા ત્યારે ઇલેક્ટ્રિક તાર તૂટતાં બંને બાળકોની માથે પડતા ઘટના સર્જાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બંને માસુમ બાળકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ અંગેની જાણ સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરતાં પોલીસ સ્ટાફ તુરંત હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અંકિત અને સુમિત બંને મૂળ બિહારના રહેવાસી છે. અંકિતના પિતા રામાકાંત અને સુમીતના પિતા રાકેશ બંને કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અંકિત 3 બહેન અને 1 ભાઇમાં બીજો હોવાનુ અને પાચમાં ધોરણમાં ભણતો હોવાનુ જાણવા મળ્યું છે. જ્યારે સુમિત ત્રણ ભાઇમાં વચેટ છે અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.