રાપરમાં પાણીની અછત સર્જાતા પાલિકામાં મચ્યો બબાલ

              રાપર ખાતે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા ખૂબ જ વધી રહી છે. ગત દિવસે મહિલાઓના મોરચા નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરતા જોવા મળેલ હતા. પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પ્રાપ્ત ન થતાં ત્રાસી ગયેલ મહીલાઓ આગામી દિવસોમાં ધરણા સહિતના ઉગ્ર કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી. અમુક સમય અગાઉ અયોધ્યાપુરીની જેવી મહિલાઓ દ્વારા પાલિકાના વહીવટદાર મામલતદાર કચેરી ખાતે પહોંચી પાણી માટે ઉગ્ર રજુઆત કરાઈ હતી.

              આ અગાઉ પણ એક વખત ડોડીયાવાસ, ઉલેટવાસની બહેનો દ્વારા સુધરાઇમાં પાણી પ્રશ્નનો હલ લાવવા ભાર પૂર્વક માગ કરાઈ હતી. ગત દિવસે અયોધ્યાપુરીની કેટલીક બહેનો રામજી રાજપૂત નામક વ્યક્તિની  આગેવાની હેઠળ પાલિકા ખાતે પહોંચી ગયેલ અને સમસ્યાનો નિકાલ નહીં આવે તો ધરણા સહિતના ઉગ્ર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તદુપરાંત વાઘેલાવાસ, ભીલવાસ સહિતના વિસ્તારમાંથી બહેનો પંબ  ટોળા સુધરાઇમાં આવે ગયેલ હતા.

પાણીની આ સમસ્યા અંગે પાણી પુરવઠા કચેરીમાં તપાસ થતાં જાણવા મેળેલ કે રાપર શહેર માટે દરરોજ પાંચ એમએલડી પાણી આપવામાં આવે છે. પરંતુ હાલની પરીસ્થિતિ જોતાં આ આંકડો માત્ર કાગળ પર જ નોંધાઈ રહ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. પાણીના અભાવના કારને પાણીની માંગ કરતાં પાણી પુરવઠા બોર્ડના ઈજનેરો દ્વારા ‘મોટર બગડી ગઈ છે, લાઈનો લીકેજ છે, સામખીયાળીથી પાણી આવ્યું નથી’ એવા આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે.

નોંધનીય બાબત એ છે કે નર્મદા કેનાલ બંધ હોવાના લીધે હાલમાં  શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અઠવાડિયામાં એકવાર જ પાણી આવે છે તેમજ પણ ધીમી ગતિથી પાણી મળે છે. કેટલીક વખત વીજ કાપ હોવાના કારણે  પંદર દિવસે પાણી પ્રાપ્ત થાય છે. તેમાં છેવાડાના વિસ્તારોમાં તો પાણી પહોચી નથી શકતું. દરરોજ ટેન્કર મંગાવવા પડે એવી હાલત થઈ ગઈ છે, તેમજ ટેન્કરના 1000થી 1500 ભાવ લેવાઈ રહ્યા છે જે સામાન્ય અને ગરીબ લોકો માટે મુશ્કેલી પેદા કરે છે. આ પાણી ની સમસ્યાનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી બન્યું છે.