ઈતરડીથી સાવધાન : ઇતરડી દ્વારા ફેલાતા કૉંગો તાવથી આધેડનું મોત, તંત્ર થયું દોડતું

કચ્છ જીલ્લામાં કોંગો તાવ (ક્રેમિયન કોન્ગો હેમરેજિક ફીવર)નો કેસ નીકળતાં આરોગ્ય તંત્ર તેમજ પશુપાલન વિભાગ દોડતા થયું છે. અંજાર ખાતે આવેલા લાખાપર ગામના 51 વર્ષીય આધેડને ચાંદરાણી પ્રા.આ. કેન્દ્રની ટીમે શંકાસ્પદ કોંગોના કેસ તરીકે શોધેલ હતો. દર્દીએ સૌ પ્રથમ અંજાર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલ હતી. ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમીયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમને તાવ અને સંડાસમાં રક્ત ઉપરાંત શરીરની આખી ચામડી ખોટી પડી ગઇ હતી

             કોંગોનો કેસ સામે આવતા અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજના મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. કમલેશ ઉપાધ્યાયને ગત દિવસે  ભુજ મોકલાતાં જિલ્લા ડિસ્ટ્રીક્ટ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફૂલમાલી, ઇએમઓ ડો. ખુરાસિયા, ડો. અમિન અરોરા, અંજારના તાલુકા આરોગ્ય અધિકારી ડો. અંજારિયા સહિત નવ જેટલા ટીએચઓ, ક્યુએમઓ, ડો. અમિન અરોરા, નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કર, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પવન મકરાણી વગેરે સાથે બેઠક યોજવામાં આવેલ હતી. સાંજે ફરી એક વખત  જિલ્લા પંચાયત ખાતે મીટીંગ યોજી ડો. ઉપાધ્યાયે કોંગો તાવ અંગેની માહિતી આપી લેવાનાં થતાં પગલાં અંગે સૂચના આપેલ હતી. આજે અદાણી મેડિકલ કોલેજના લેક્ચરર હોલમાં પીજી, યુજી તેમજ નર્સિંગ સ્ટાફ માટે અલગ અલગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આગામી શુક્રવારના સવારે નખત્રાણા ટીએચઓ કચેરીમાં અને રાત્રે ગાંધીધામ ટાઉનહોલમાં સરકારી, ખાનગી, આયુષ અને પશુચિકિત્સકો સાથે બેઠક યોજવામાં આવશે.

       જીલ્લા પંચાયતના પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કર દ્વારા મળેલ માહિતી મુજબ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ દ્વારા લાખાપર તેમજ આજુ બાજુના ગામમાં ઇતરડીના કરડવાથી અથવા અન્ય વ્યક્તિમાંથી ચેપ દ્વારા કોંગો ફેલાતો હોવાથી ગૌશાળા, પાંજરાપોળ અને ખાનગી માલિકીના પશુઓ ઉપર ઇતરડીનાશક દવાના સ્પ્રેથી છંટકાવની કામગીરી કરવામાં આવેલ હતી.