ભુજમાં ગુનાખોરીને રોકવા બાબતે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ચોકીઓ શરૂ કરવાની માંગ કરાઈ
copy image
ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. બજારોમાં અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યો કરી વેપારીઓમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે જેને રોકવા માટે વિવિધ વિસ્તારોમાં પોલીસ ચોકી ખોલવા અને બંધ પડેલી ચોકીઓ ફરી શરૂ કરવા પશ્ચિમ કચ્છના પોલીસ વડા સમક્ષ અરજી કરાઇ હતી. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના નેજા હેઠળ વિવિધ વેપારી આગેવાનોના પ્રતિનિધિ મંડળે પોલીસ અધિક્ષકને રૂબરૂ આવેદનપત્ર પાઠવતાં જણાવેલ હતું કે, વેપારીને છરી બતાવી લૂંટ કરવી, પાર્કિંગ બાબતે ઝઘડો કરીને હુમલો કરવો સહિતના નાના-મોટા બનાવો અવાર નવાર બની રહ્યા છે. જમીનના ધંધાર્થીઓ સાથે ખોટા કરાર કરી દસ્તાવેજ બનાવી બ્લેકમેલ કરવા, ડેવલોપર્સને માહિતી અધિકારના કાયદા તળે ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવા સહિતના કૃત્ય અસામાજિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના પરીણામે વેપારીઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. ગુનાખોરીને રોકવા બાબતે શરાફ બજાર, સ્ટેશન રોડ, ન્યૂ સ્ટેશન રોડ, અનમ રિંગ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભીડ બજાર વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવાની માગ કરાઇ હતી.