જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષમાં જન્મથી વાંકા પગવાળા 187 બાળકોને સારવાર અપાઈ

copy image

ભુજ મધ્યે આવેલ જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં નવજાત શિશુના જન્મથી જ વાંકા પગ હોય તેવા 187 બાળકોને સારવાર આપાઈ રહી છે. હોસ્પિટલના ઓર્થો વિભાગના સર્જન ડો.ઋષિ સોલંકી દ્વારા જાણવા મળેલ કે, આ સારવાર ગુજરાત સરકાર, જી.કે. તેમજ ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી આપવામાં આવી રહી છે. સામાન્ય સંજોગોમાં દર હજાર બાળકે એક બાળકમાં આવી ક્લબફૂટની સમસ્યા જોવા મળે છે. જેમાં જન્મથી જ તેમના પગ વાંકા હોય છે, જો આવા નવજાતને સમયસર સારવાર આપવામાં આવે તો તેઓ હરી ફરી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારના 187 બાળકોને સારવાર આપવામાં આવેલ છે.

                   મળેલ માહિતી અનુસાર,  આવા બાળકોને હરતા ફરતા કરવા માટે  ક્લબ પગની સ્થિતિ પ્રમાણે છ થી સાત વખત મલ્ટીપલ પ્લાસ્ટર કરવામાં આવે છે, ઉપરાંત ડી.પી. રિપ્લેસમેન્ટ પણ કરવામાં આવે છે, જે અંતર્ગત ખાસ પ્રકારના બુટ બાળકને પહેરાવવામાં આવે છે. વાંકા પગની સમસ્યા ક્યારેક એક પગમાં હોય અથવા બે પગમાં પણ હોઈ શકે છે. ક્યારેક જરૂર પડે તો શસ્ત્રક્રિયા પણ કરવામાં આવે છે.

              મળેલ માહિતી મુજબ સારવાર લેતા બાળકોના પ્લાસ્ટરને કેવી રીતે સાચવવું, કેટલા  સમય સુધી બુટ પહેરવા, તે અંગે દર અઠવાડિયે ફોન ઉપર બાળકના માતા પિતાને નિયમિત રીતે  માર્ગદર્શન પાઠવવામા આવે છે. હોસ્પિટલના ઓર્થો વિભાગના ડો. સોલંકી ઉપરાંત ડો. વિવેક પટેલ, અન્ય ઑર્થો તબીબો, જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારીઓ અને સિવિલ સર્જન ડો.કશ્યપ બુચનું આ કાર્યમાં સમયસર માર્ગદર્શન મળી રહે છે.આશા વર્કર તેમજ આંગળવાડીના બહેનો પણ નિયમિત સહકાર આપે છે.