સમસ્યાઓથી ત્રાસિત લોકો લડતના મુડમાં : વરસાદમાં માર્ગો નહેર સમાન બની જતાંના મેઘપરના લોકો પરેશાન

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં આવેલી ગોલ્ડન સિટી કામકાજના દ્રષ્ટીકોણથી આદિપુર સાથે સંકળાયેલો ગણાય છે, પરંતુ આ વિસ્તારની સોસાયટીઓના રહેવાસીઓ માર્ગ, ગટર, પાણી, સાફસફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે અહીંના રહેવાસીઓએ લડતના મૂડમાં આવી અને ‘રોડ નહીં તો વોટ નહીં’ ના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો. આ વિસ્તારની  દરેક સોસાયટીના લોકો દ્વારા સમૂહ બેઠક યોજીને આ સમસ્યાઓ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતાં ઉગ્ર આંદોલનની દિશા પકડી હોવાનું જોવા મળેલ હતું.

              અહી આવેલી સોસાયટીઓ જેમ કે ભક્તિનગર 1-2-3, ગોલ્ડનસીટી , ગુરુકૃપા સોસાયટી, મેહદીનગર સોસાયટી, પ્રભાત સોસાયટી, સિધેશ્વર પાર્ક , સોનલધામ જેવી વિવિધ સોસાયટીઓ આવેલ છે. આ તમામ સોસાયટીઓના લોકો એક જ પ્રકારની સમસ્યાઓથી પીડાય રહ્યા છે. તૂટેલ રસ્તાઓ, રખડતા ઢોર, ઉભરાતી ગટરો, પીવાના પાણીની અનિયમિતતા, નળમાં ગટરનું પાણી મિક્સ, સાફસફાઇના અભાવ, વગેરે જેવી મુશ્કેલીઓ ચારે તરફ જોવા મળે છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહજરીથી લોકો અકળાઈ ગયા છે અને નક્કર કામની માંગણી કરી છે.

                           પાણીના પ્રશ્ન બાબતે સૌ લોકો આત્મનિર્ભર બન્યા છે. રૂપિયા ખર્ચીને પીવાના પાણીના ટેન્કર બોલાવવા, જાતે બિસમાર રસ્તાઓની સાફસફાઈ કરવી એ અહીંના લોકો માટે સામાન્ય બની ગયું છે. વારંવાર અરજીઓ કરવા છતા પણ અહીંની સમસ્યાઓના નિરાકરણ બાબતે કોઈ પગલાં ભરવામાં ન આવતા અકળાયેલા લોકો લડત શરૂ કરવાની સાથે રોડ નહીં તો વોટ નહીં ના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.