25 હજાર ચૂકવી 5.25 લાખનું ટ્રેક્ટર પડાવ્યાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઇ
માંડવી ખાતે આવેલા દેઢિયાના શખ્સ સાથે ભુજના આરોપીએ સુથી પેટે રૂા. 25 હજાર આપી 5.25 લાખનું ટ્રેક્ટર પડાવી લેતાં ઠગાઇની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઇ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીની માલિકીનું મહિન્દ્રા કંપનીનું સ્વરાજ ટ્રેક્ટર નં. જી.જે. 24 એ.એ. 9962વાળું કુલ રૂા. 5.25 લાખમાં સોદો કરી ભુજ રહેવાસી ફારૂકખાન કરીમખાન પઠાણ નામક વ્યક્તિ રૂા. 25 હજાર સુથી પેટે આપી લઇ ગયેલ હતો. વારંવાર બાકીની રકમ આપવા અથવા ટ્રેક્ટર પરત આપવાનું કહેવા છતાં બંનેમાંથી કંઇ ન મળતાં માર્ચ મહિનામાં આ ઠગાઇ અંગે ફરિયાદીએ પોલીસમાં અરજી કરેલ હતી, જેની આજે વિધિવત ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.