ભુજ શહેરના જૂના બસ સ્ટેશન-વાણાયાવાડ વિસ્તારમાં ગટર ઊભરાતાં નારાજગી જોવા મળી

હાલમાં થયેલ વરસાદ બાદ ભુજ શહેરમાં  ગટર સમસ્યાએ માથું ઊંચક્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે, ઠેકઠેકાણે ગટર ઊભરાતાં દૂષિત-દુર્ગંધયુક્ત પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ભુજમાં હાલમાં પડેલ વરસાદ બાદ ગટરો ઊભરાવાની સમસ્યા વધી ગઇ છે. આજે બસ સ્ટેશન માર્ગે લાઇન બેસી જવાના કારણે મોટી માત્રામાં ગટરનાં પાણી વિસ્તારમાં ફરી વળ્યા. દુર્ગંધયુક્ત પાણી વાણિયાવાડ શાકમાર્કેટથી ડોસાભાઇ લાલચંદની પ્રતિમા આસપાસના વિસ્તારમાં ભરાતાં રાહદારીઓ, દુકાનદારો, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અહી નોંધનીય બાબત એ છે કે ગટર મરંમત કામો  માટે લાખો-કરોડોની રકમ  ખર્ચાય છે પણ જોઇએ તેવું પરિણામ ન મળતાં ભુજવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. એક બાદ એક લાઇનો બેસી રહી છે ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય નિર્ણય લઇ આ સમસ્યામાંથી ભુજને કાયમી ધોરણે છૂટકારો અપાવાય તેવી લોકમાંગ છે.