ભુજનું હ્રદય ગણાતા હમીરસરના પાણીએ રંગ બદલ્યો , તળાવો થઈ રહ્યા છે પ્રદુષિત
copy image
એક દશક પૂર્વે વરસાદી પાણીથી હમીરસર ભરાતું તે સમયે પંખવાડિયા સુધી તે પાણી ‘ધૂળિયા’ મેટા રંગનું નજરે પડતું હતું કારણ કે તે પાણીમાં સાથે આવેલી માટીનો રંગ દેખાતો. ધીમે ધીમે માટી તળિયે બેસતાની સાથે સ્વચ્છ પાણી દેખાતું. પરંતુ આજે વરસાદનું પાણી જ્યાંથી આવે છે ત્યાં જ ગટરનું દૂષિત પાણી મિશ્રિત થઈ રહ્યું છે પરીણામે તળાવમાં ગટર મિશ્રિત વરસાદી પાણી પ્રવેશ પામે છે. જેના કારણે બે-ત્રણ દિવસમા જ સરોવર લીલું દેખાય છે. ભુજના હમીરસર કરતાં પણ ખરાબ પરિસ્થિતિ દેશલપરની છે. કારણ કે શહેરના લોકપ્રતિનિધિઓ, શાસક કે વિપક્ષના નેતાઓ હોય કે જિલ્લા તંત્રના ઉચ્ચાધિકારીઓ હોય તેમની નજર સમક્ષ કેવળ દૂષિત પાણી જ ઠલવાય છે જેના કારણે ઝેરી વનસ્પતિ જળકુંભીથી આખું સરોવર ઘેરાઈ ગયેલ છે.
72 એકરમાં ફેલાયેલા હમીરસરમાં છલકાતા તેને વધાવવાની પરંપરા ખૂબ લાગણી અને હર્ષોલ્લાસથી ઉજવાય છે. જે બતાવે છે કે ભુજવાસીઓ માટે આ સરોવર કેટલું મહત્વ ધરાવે છે. પરંતુ અફસોસની વાત એ છે કે દેશલસરની જેમ આ સરોવર પણ હવે ધીમે ધીમે મૃત પાણીનું સંગ્રહ કરતું જળાશય બનતું જાય છે.
ચાલુ વર્ષે બિપોર્ઝોય વાવાઝોડામાં વરસેલા વરસાદને કારણે તળાવ 80% ભરાઈ ગયું હતું જેમાં ગત રવિવારે ફરી એક વાર વરસાદ થતાં હમીરસર છલકાઈ ગયું પરંતુ દૂષિત પાણી મિશ્રિત હોવાના કારણે આખું સરોવર લીલાશ પડતાં પાણીથી ભરાયુ જે ડ્રોન તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જળ વ્યવસ્થાપન માટે પ્રવૃત્ત સંસ્થાઓ અવારનવાર કલેકટર અને નગરપાલિકાનું ધ્યાન દોરે છે પરંતુ કલેકટર અને નગરપાલિકા દ્વારા કોઈ ઠોસ કામગીરી કરવામાં આવેલ નથી.