ગાંધીધામ ખાતે કાસેઝમાં સોપારીની કંપનીમાં આગ ફાટી નીકળતા ચકચાર
ગાંધીધામ કાસેઝમાં આવેલી એક કંપનીમાં ગત દીવસે બપોરે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
ગાંધીધામ ખાતે આવેલ કાસેઝમાં બે દિવસની અંદર જ સોપારી, ગુટખાની આ બીજી કંપનીમાં અચાનક આગ લાગતાં અનેક તર્ક-વિતર્ક ઉઠી રહ્યા હતા. આગની બનેલ આ ઘટનાથી કામદારો તેમજ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ બાબતે કાસેઝના તથા ડી.પી.એ.ના અગ્નિશમન દળને જાણ થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવેલ હતા અને ત્યાર બાદ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
આગનો આ બનાવ કયા કારણોસર બનેલ હતો તેનું કારણ હજુ પણ અકબંધ છે. થોડા સમયમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હુત કે, આગના આ બનાવથી લાખોનું નુકસાન થયેલ છે. અગાઉ આગના મામલે ગાંધીધામ નગરપાલિકા તથા ક્યુ.આર.સી.ને જાણ કરાઇ હતી પરંતુ હાલમાં લાગેલી આગના બે બનાવોમાં તેમને જાણ ન કરાતાં અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. બે દિવસ પહેલા પણ કાસેઝની સોપારીની કંપનીમાં આગ લાગેલ હતી તેવામાં આજે ફરીથી સોપારીની કંપનીમાં જ આગ લાગતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.