ભચાઉ તાલુકાનાં લાકડિયા ગામમાં બંધ ઘરનાં તાળાં તોડી 26 હજારની ચોરી થતાં ચકચાર

ભચાઉ તાલુકાના લાકડિયામાં બંધ ઘરનાં તાળાં તોડી તેમાંથી રોકડ રકમ તેમજ ઇમિટેશન જ્વેલરી એમ કુલ્લ રૂા. 26000ની મતાની ચોરી આચરાઈ હતી. આ બાબતે સ્થાનિક પોલીસે એક મહિલાની ધરપકડ કરી તેની પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભચાઉ ખાતે આવેલ લાકડિયાના મેડીવારો વાસ વિસ્તારમાં રહેનાર કેસરબેન ભાણજી મુરજી નંદુ દ્વારા ગત દિવસે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી હતી. મળેલ માહિતી અનુસાર ગામના છ કોટિ દેવસ્થાનમાં સાફ-સફાઇ તથા લોકોને  જમાડવાનું કામ કરનાર આ આધેડ મહિલા ગત દિવસે સવારે લોકોને જમવાનું પીરસવા માટે દેવસ્થાને ગયેલ હતા. ત્યાંથી બપોરે ઘરે પરત આવતા તેમના મકાનનાં તાળાં તૂટેલ હાલતમાં જોવા મળેલ હતાં તેમજ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તેમના બેડરૂમમાં કબાટમાંથી રોકડ રૂા. 25000 તથા અન્ય ડબ્બામાંથી બુટિયા, મંગળસૂત્ર, બંગડી, વીંટી, બકલ, ચેઇન વગેરે ઇમિટેશન જ્વેલરી એમ કુલ રૂા. 26000ની મતાની ચોરી આચરાઈ હતી.

                                આ બનાવ બાબતે બપોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અને સામખિયાળી-રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી નાસી જવાની ફિરાક કરતી રાધનપુર, પાટણના ટીનાબેન ઉર્ફે ટીની ઉર્ફે ઇક્કા નરસંગ મણાભાઇ વાલ્મીકિને ઝડપી પાડી હતી. આ મહિલા પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. આ મહિલા સામે અગાઉ પણ ચોરીના 11 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસ દરમ્યાન સામે આવેલ હતું.