પદ્ધર-ધાણેટી માર્ગ વરસાદના કારણે બિસમાર બનતાં લોકો બન્યા ત્રસ્ત : મરંમતનું કામ ટૂંકા સમયમાં જ થાય તેવી લોક માંગ ઉઠી

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ પદ્ધરથી ધાણેટી જતો માર્ગ હાલમાં થયેલ વરસાદને  કારણે બિસમાર બની જતાં ગામના લોકો તેનાથી ત્રસ્ત બની ગયા છે. આ રસ્તાની ત્વરિત મરંમતની માગણી થઇ રહી છે. પદ્ધર ગામના અગ્રણી એવા મેશભાઇ ખેતાભાઇ આહીર દ્વારા જાણવા મળેલ હતું કે, પદ્ધરથી કાળી તળાવડી, મમુઆરા, ધાણેટી સહિતના ગામડાં તરફ જતો આ માર્ગ માલધારીઓ, ખેડૂતો, આ પંથકના ઉદ્યોગપતિઓ, ખાનગી એકમો માટે ઉપયોગી બને છે. માર્ગ ઉપર સતત અવરજવર રહેતી હોય છે. આ માર્ગ બન્યા પછી ટૂંક સમયમાં જ તેની હાલત ખરાબ બની ગયેલ છે. રસ્તાઓ નબળી ગુણવત્તા વાળા  હોવાના લોકોના આક્ષેપ ઉઠવા છતાં પણ કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. રાત્રિના સમયે ખરાબ રસ્તાને કારણે દ્વિચક્રી વાહનો સ્લીપ થવાની ઘટના બની રહી છે. જેથી આ માર્ગની મરંમતનું કામ ટૂંકા સમયમાં જ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.