ગાંધીધામમાં ભરબપોરે રહેણાંક મકાનમાંથી 1 કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર.

copy image

ગાંધીધામના ચારસો ક્વાર્ટર વિસ્તારમાં ભરબપોરે ત્રાટકેલાં ત્રણ લૂંટારાએ રહેણાંક મકાનમાંથી ૧ કરોડથી વધુ રોકડ રકમની લૂંટ કરી હોવાનો બનાવ બહાર આવતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. જે સંજોગોમાં લૂંટનો બનાવ બન્યો છે તેને લઈ કેટલાંક સવાલો પણ ઊઠ્યાં છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાન્સપોર્ટ અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલાં મોહન મુલચંદાણી નામના શખ્સે ચારસો ક્વાર્ટરમાં રો- હાઉસમાં રહેતાં મૃત ભાઈના ઘરે 1કરોડથીવધુ રૂપિયા રાખ્યાં હતાં.. નાણાં ઘરના છેલ્લાં રૂમમાં રાખેલા પેટી પલંગની અંદર બેગમાં રાખ્યાં હતાં. ગત બપોરે પોણા ચારથી ચારના અરસામાં એકાએક થાર જીપમાં આવેલાં ત્રણ અજાણ્યા શખ્સો સીધા ઘરમાં ઘૂસી આવ્યાં હતાં. ઘરમાં તે સમયે ત્રણ મહિલાઓ હાજર હતી. આ શખ્સોએ તેમને છરી બતાડી હતી. એક જણો સીધો છેલ્લાં રૂમમાં કે જ્યાં રાખેલા પેટી પલંગ ૫૨ વૃધ્ધ બા બેઠાં હતા ત્યાં ગયો હતો. વૃધ્ધાને પલંગ પરથી ઉઠાડીને, પલંગનું પાટિયું ઊંચુ કરી અંદર રાખેલી નાણાં ભરેલી બેગ લઈ લીધી હતી. બાદમાં ત્રણે જણ જીપમાં બેસી નાસી છૂટ્યાં હતાં. ઘટના ચારેક વાગ્યાના અરસામાં બનેલી પરંતુ પોલીસને પોણા બે કલાક બાદ જાણ કરાઈ હતી. વસતિથી ભરચક વિસ્તારમાં આટલી સરળતાથી લૂંટ થઈ તે બાબતે પોલીસ માથું ખંજવાળી રહી છે. આરોપીઓ જાણભેદુ હોવાની શક્યતા છે. હાલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.