ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર આરોપી સામે ફરીયાદ
ભચાઉ ખાતે આવેલ લાકડિયા ગામે ગાયોના વથાણ પાસેથી પગપાળા જઈ રહેલ એક મહિલાના ગળામાં હાથ નાખી ગામના એક શખ્સે રૂા. 50,000ની સોનાની ચેઇનની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હતો.
ભચાઉ ખાતે આવેલ લાકડિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેનાર ગીતાબેન રમેશ બાબુલાલ વ્યાસએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત દિવસે સાંજના અરસામાં આ મહિલા પોતાના દોઢ વર્ષના પૌત્ર સાથે ગ્રામ પંચાયત ચોકમાંથી બજારમાં ગયેલ હતા. બજારમાં કામ પતાવી તેઓ પરત ઘરે જવા નીકળ્યા હતા. પંચાયત ચોક નજીક ગાયોના વથાણ પાસે લાકડિયા-શિવલખા જતા રોડ નજીક પહોંચતાં પૌત્રના પગમાંથી બૂટ નીકળી જવાથી મહિલા નીચે બેસીને પોતાના પૌત્રને બૂટ પહેરાવી રહ્યા હતા તે સમય દરમીયાન, અચાનક ત્યાં એક શખ્સ આવ્યો હતો અને તેમના ગળામાં હાથ નાખી ચેઇન ખેંચતા મહિલાએ એક હાથથી ચેઇન પકડી લીધી હતી. તેમજ મહિલાએ રાડારાડ કરતાં આ શખ્સે ચેઇન તોડી નાસવાની કોશિષ કરતાં મહિલાએ તેને પકડી પાડતાં તે ગામનો જ અરવિંદ ડાયા કોળી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચીલઝડપના આ બનાવ અંગે આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.