ભૂજ તાલુકાનાં માધાપરમાં આરોગ્યલક્ષી ફરિયાદો બાદ તંત્ર જાગ્યું : ઘરોઘર જઈ સર્વે કરાયો

ભુજ તાલુકાના માધાપર ગામમા આરોગ્યલક્ષી ફરિયાદો બાદ જાગેલા તંત્રએ પાણીજન્ય રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે અગમચેતીના પગલા હાથ ધર્યા છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો જેવા કે, શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટી, ગળાના રોગો વગેરે વધુ ફેલાય છે. હાલના સમયમા ગામમાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં ભારે પ્રમાણમાં વધારો થયો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજની 200થી 250ની ઓપીડી રહે છે. જૂનાવાસ ગ્રામપંચાયતના સદસ્ય દિલીપ મહેશ્વરી દ્વારા મતિયા કોલોની સહિત પછાત વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને ગંદકીના પરેનમે રોગચાળો ફાટી નીકળે તે પહેલા નિયંત્રણ લાદવા ગ્રામપંચાયત, માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવેલ હતી.  

                        આરોગ્ય અધિકારી તેમજ સુપરવાઇઝર દ્વારા જાણવા મળેલ કે, બે વખત ઘરોઘર જઇને સર્વે હાથ ધરવામાં આવ્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગોના શંકાસ્પદ દર્દીઓના લોહીના સૅમ્પલ લેવાયા છે. ગામના અવાડા, ખાબોચિયા, તળાવોમાં મચ્છરોની ઉત્પતિ અટકાવવા પોરાભક્ષક માછલી મૂકવામાં આવેલ  છે. ગામમાં વહેતો ખુલ્લી તેમજ સફાઇના અભાવે પોલીસ ચોકી, જગાવારા તળાવ સહિતના વિસ્તારોમાં ગંદકી ભારે માત્રમાં ફેલાઈ છે ત્યારે ગ્રામપંચાયતની  આળસ ખંખેરીને સફાઇ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.