ગાંધીધામમાં યુવતી પર દુષ્કર્મના આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં દોડધામ મચી

ગાંધીધામમાં યુવતી ઉપર દુષ્કર્મ કરવાના આરોપમાં ગાંધીધામ-એ ડિવિઝન પોલીસ મથકે આરોપી મીઠુ ગેવરરામ ચૌહાણ સામે તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી. સવારના અરસામાં આરોપીએ કેટલાક વગદાર વ્યક્તિઓ ઉપર નામજોગ ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં હતો. વીડિયોમાં આરોપી ભચાઉ તરફ ગયો હોવાની જાણ થતાં પૂર્વ કચ્છ એલ.સી.બી. પી.આઈ. એમ.એમ. જાડેજા સહિતનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો. આ સમય દરમીયાન લોધેશ્વર સમ્પ નજીક નર્મદા કેનાલની પાળી ઉપર બેઠેલો હતો. પોલીસને જોઈ આરોપી મીઠુએ નર્મદા કેનાલમાં કૂદકો મારી દીધો હતો. તે સમયે છોટા હાથીમાં આવતા શ્રમિકોએ કેનાલમાં કુદીને તેને બચાવી લીધો હતો. જો પાણીનો પ્રવાહ વધુ હોત તો બચાવવા પડેલા શ્રમિકોનો પણ જીવ જવાની પ્રબળ સંભાવના હતી. ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા સહિતના અધિકારીઓએ ભચાઉ સરકારી હોસ્પિટલ ખાતે પહોચી પૂરતો પોલીસ જાપ્તો ગોઠવ્યો હતો. બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનારા આરોપી સામે અટકાયતી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આવેશમાં આવી આવું પગલું ભર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.