નખત્રાણા ખાતે આવેલ નેત્રામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં
નખત્રાણા તાલુકા ખાતે આવેલ નેત્રા ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ હોવાથી દર વરસે ચોમાસાની સિઝનમાં પાણી ભરાવની સમસ્યા સામે આવે છે. શાળા, આંગણવાડી, દવાખાના વગેરેમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાય છે. હવામાન વિભાગની આગાહીનાં પગલે છેલ્લા બે દિવસથી કચ્છમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નખત્રાણાના નેત્રામાં પણ બે દિવસમાં ચારેક ઇંચ જેટલો વરસાદ થતાં અહીંના ચોકમાં ઘૂંટણભેર પાણી ભરાતાં ચોક તળાવમાં ફેરવાઇ ગયું હતું. થોડા સમય બાદ પાણી ઓછું થતાં લોકોને રાહત થઇ હતી. ભારે વરસાદને પગલે વથાણ ચોક તેમજ મુખ્ય બજારમાં નીચાણવાળી દુકાનોમાં પાણીનો ભરાવ થતો હોય છે, જેના પરીણામે વેપારીઓને મોટી નુકસાની સહેવી પડે છે.
નેત્રામાં આવેલ નીલ તળાવ અને શીતલા તળાવ ઓગને ત્યારે તેનું બધું પાણી બાજુમાં આવેલી આંગણવાડી કેન્દ્ર-ત્રણ અને સારસ્વતમ્ સંચાલિત હાઇસ્કૂલમાં ભરાયા છે, જેના કારણે શિક્ષણ વિલંભમાં મુકાય છે. નેત્રાની હાઇસ્કૂલના મેદાનમાં પાણી ભરાતાં શાળામાં રજા રાખવાની ફરજ પડે છે તેવું આચાર્યશ્રી દ્વારા જાણવા મળ્યું હતું. ચોમાસામાં આરોગ્ય કેન્દ્રમાં જ્યારે પાણી ભરાય છે, તે સમય દરમીયાન જ્યાં સુધી પાણી સુકાય નહીં ત્યાં સુધી તાળાં લાગેલા હોવાથી લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાનું ચિત્ર ઉપસે છે. આ સમસ્યાઓથી કાયમી છૂટકારો અપાવવા નેત્રા જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય હારૂનભાઇ કુંભારે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી પાણી નિકાલ કરવા માટે સુથાર સમાજના દાદાની જગ્યા નજીક પાપડીને આર.સી.સી.થી મઢવા તથા ઊંચાઇ વધારવા અને પશુ દવાખાનાથી હાઇસ્કૂલ સુધી આર.સી.સી. રોડ બનાવવા માંગ કરવામાં આવેલ હતી. ગ્રામસભા દરમ્યાન ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવતા સમસ્યાઓ તેમની તેમ જ છે