અબડાસા ખાતે આવેલ સાંધવમાં મોર લુપ્ત થઈ રહ્યા છે : એક સમયે 300 મોર હતા… હવે ફક્ત 40 બચ્યા શેષ
copy image
મોસમને ખુશનુમા બનાવી દેતા એવા રાષ્ટ્રીય પક્ષી મોરની એક સમયે 300 જેવી વસ્તી ધરાવતાં આબડાસા ખાતે આવેલ સાંધવ ગામે હાલના ભરપૂર વરસાદ હોવા છતાં પણ જોઇએ તેવા ટહુકા સાંભળવા મળતાં નથી. કારણ કે, હવે મોરની સંખ્યા માંડ 40 જેવી રહી ગયેલ હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે. આ બાબત ચિંતાજનક છે. નાનકડું એવું સાંધવ ગામ મોરના ગામ તરીકે જ ઓળખાય છે. વરસાદના આગમન પહેલાં જ કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાય અને આ ગામ મોરના ટહુકાથી ગાજી ઊઠે છે, પરંતુ હવે સ્થિતિ બદલાઇ ચૂકી છે. ગામના અગ્રણી એવા મોહનભાઇ ગોરના જણાવ્યા અનુસાર પહેલાં આ ગામમાં 300થી વધુ મોર હતા. આખા ગામમાં મોર નજરે પડતાં સવાર પડે ને લોકોના ઘરના આંગણા, ફળિયા, ઝાડ ઉપર વગેરે સ્થળે મોર દેખાતા. છેલ્લા 15 વર્ષથી તેની સંખ્યા ઘટવા માંડી છે. અત્યારે ગામમાં માંડ 40 મોર હશે. યુવા અગ્રણી હરપાલસિંહ જાડેજા ના જણાવ્યા અનુસાર સાંધવ ગામમાં આવેલા લાલછતાપીરમાં મોરની સંખ્યા વધુ જોવા મળતી હતી. ગામના લોકો દ્વારા જાણવા મળેલ છે કે ખેતરોમાં થતો જંતુનાશક દવાનો ઉપયોગ તેમજ હિંસક પશુઓના આક્રમણના કારણે મોરની સંખ્યા ઘટતી જાય છે. જે ચિંતાજનક પ્રશ્ન છે.