મુંદરા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તંત્ર સામે રામધૂન બોલાવાઇ

copy image
મુંદ્રા તાલુકાના હટડી સ્થિત કંપનીમાં સ્થાનિક સાત કામાદરોને કારણ વગર જ છૂટા કરી દેવાના ચાલતાં ધરણામાં 14મા દિવસે એક કામદારની તબિયત બગડી હતી. ત્યારે બીજી તરફ તાલુકા મામલતદાર સામે ઢીલી નીતિના આક્ષેપ સાથે તેમની કચેરી સમક્ષ વિરોધ વ્યક્ત કરવા રામધૂન બોલાવવામાં આવેલ હતી. રીકલાઇનર ઇન્ડિયા પ્રા.લિ. નામક કંપની સામે છેલ્લા સાત દિવસથી ચાર કામદારો અનશન ઉપર ઊતર્યા છે. તેમાથી સહદેવસિંહ જાડેજા નામક વ્યક્તિની તબિયત લથડતાં તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવેલ હતી. કંપની સામે લડત ચલાવનાર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે મામલતદાર પર ઢીલી નીતિ અને નિક્રિયતાનો આરોપ મૂકીને કચેરી પ્રાંગણમાં રામધૂન બોલવાઈ હતી. તે સાથે મામલતદારને આવેદનપત્ર પણ રજુ કરવામાં આવ્યું હતું. રજૂ કરેલ આવેદનપત્રમાં ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજાએ જણાવ્યું હતું કે, કંપનીએ સાત કામદારોને વિના કારણે નોકરીમાંથી છૂટા કરેલ છે અને તંત્ર દ્વારા આજ સુધી તેમની ફરિયાદ સાંભળવામાં આવેલ નથી. કામદારોને તત્કાળ ફરજમાં લેવાય, કંપની દ્વારા થતાં જાહેરનામા ભંગ, ગેરકાયદે મજૂર વસાહત, ગેરકાયદે ખેડૂત ખાતેદાર જેવા આક્ષેપ કરી તેની તપાસની માંગ પણ કરવામાં આવેલ છે. આવેદનપત્ર સોંપતી સમયે ચાંદુભા જાડેજા, નટુભા પૃથ્વીરાજસિંહ, ભગીરથસિંહ, દશરથસિંહ લાલુભા, ભોજરાજ ગઢવી, મંગલસિંહ, કુલદીપસિંહ, વિજયસિંહ સોઢા, દિલાવરસિંહ, નરપતસિંહ બટુભા, જુવાનસિંહ જોરૂભા, હનુભા ભીખુભા, નીલેશસિંહ રામસંગજી, બબુભા ચકુભા, સુલતાનસિંહ તથા કુકડસરના યુવાનોએ હાજરી આપી હતી. તંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ કામગીરી કરવામાં ન આવી તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવેલ છે.