જોખમ ખેડવાના શોખીન બનેલ કિશોરના શોખને પોલીસે ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યુ

copy image
ગાંધીધામ શહેરના જાહેર માર્ગ ઉપર બાઇક સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કરનાર કિશોર તેમજ તેને વાહન આપનાર તેના મિત્ર બન્નેને જિલ્લા ટ્રાફિક પોલીસે તુરંત પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. અમદાવાદ ખાતે જેગુગાર કારના ચાલકે સર્જેલી ઘટના પશ્ચાત ગૃહ રાજ્ય મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેદરકારી પૂર્વક થતા વાહન વ્યવહાર સામે કડક કાર્યવાહીઓ કરવાની સૂચના અપાઇ છે તેની વચ્ચે ગાંધીધામમાં જાહેર માર્ગ ઉપર બાઇક પર સ્ટન્ટ કરી વિડીયો વાયરલ થયેલ હતો.
વિડીયો વાયરલ થતાંની સાથે જ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એસ.ચૌહાણ અને તેમની ટીમે તાત્કાલિક આ સ્ટન્ટ કરી પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતની હરકત કરતા સખ્શને પકડવા ચક્રો ગતિમાન કરેલ હતા. તે સમય દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ સ્ટન્ટ કરનાર 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને શોધી કાયદાનું ભાન કરવવામાં આવ્યું હતું તો તેને સ્ટન્ટ માટે વાહન આપનાર મિત્ર સામે પણ ગુનો નોંધી આગળની વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે.