માતાના મઢ ખાતે આવેલ ગામડાઓની મહિલાઓને અગરબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી

 

 માતાના મઢ ખાતે આવેલ ગામડાઓની મહિલાઓ પગભર બની શકે તે આશયથી અગરબત્તી બનાવવાના દસ દિવસીય કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પની મુલાકાત રાજાબાવા યોગેન્દ્રસિંહજી દ્વારા  લેવાઈ હતી. મઢ જાગીર ટ્રસ્ટના વિશાળ હોલમાં ગામની 30 જેટલી મહિલાઓ અગરબત્તી બનાવવાની રીત શીખી રહી છે. 108 પ્રકારની અલગ અલગ અગરબત્તી તેમજ ધૂપ સ્ટીક બનાવી બહેનો સ્વરોજગારી મેળવે તે  હેતુથી બી.ઓ.બી. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સખી મંડળ-માતાના મઢના સહયોગથી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભુજના વર્ષાબેન પિત્રોડા બહેનોને તાલીમ આપી રહ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર માર્ગદર્શિત સ્વરોજગાર મેળવવાનો આખો પ્રોજેક્ટ ભુજોડી-ભુજ ખાતે ચાલી રહ્યો છે, જેમાં ડ્રાઇવિંગ, ઇલેક્ટ્રિકલ સહિતની 60 જેટલી તાલીમ આપવામાં આવે છે. કેમ્પમાં મઢ જાગીર ટ્રસ્ટ પણ સહયોગી રહ્યો છે. મઢ જાગીરના મહંતે કેમ્પની મુલાકાત લીધી હતી મઢ જાગીરના મહંત દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ આપણી માતા, દીકરી, બહેનો સ્વરોજગાર પ્રાપ્ત કરે એનાથી વિશેષ ખુશી બીજી શું હોઈ શકે. માતાના મઢ સહિત લખપત તાલુકાની બહેનોને આવી તાલીમ સરકાર દ્વારા અપાય છે. અહીંની બહેનોને મઢ જાગીર ટ્રસ્ટનો સંપૂર્ણ સહયોગ હંમેશાં મળતો રહેશે. ચાર દિવસ પૂર્વે શરૂ કરાયેલા આ અગરબત્તી કેમ્પમાં પ્રથમ દિવસે મઢ જાગીર ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, ગ્રામીણ બેંકના મેનેજર નાથુલાલ હુડિયા, બી.ઓ.બી. ડાયરેક્ટર હિરેનભાઇ રેસ્ટી કચ્છ, હિરેન વાસાણી, સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રેમિલાબેન દ્વારા  દીપ પ્રાગટય કરી આ દસ દિવસીય કેમ્પની શરૂઆત કરવામાં આવેલ હતી.