અંજાર ખાતે આવેલ મેઘપરમાં યુવાન સાથે ઝપાઝપી કરી પત્નીનું અપહરણ કર્યા હોવાની દરિયાદ પોલીસ મથકે નોંધાઈ

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી સંસ્કારનગરમાં યુવાન સાથે ઝપાઝપી કરી તેની પત્નીનું અપહરણ કરી જતાં પાંચ લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવમાં આવેલ હતી. મેઘપર બોરીચીના સંસ્કારનગર વિસ્તારમાં રહેતા ગૌરવ સંજય ગાંગુલી નામના યુવકે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
યુવક આદિપુરની ફ્યુઝન શાળામાં અભ્યાસ કરતો હતો, ત્યાં અભ્યાસ કરતા મનીષા સુરેન્દ્ર ચારણ સાથે સંપર્કમાં આવેલ હતો અને બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બંનેને એકબીજાથી પ્રેમ થતાં બંને લગ્ન કરવા માગતા હોવાથી તેમણે ગત તા. 28/2/2023ના ગાંધીધામ નગરપાલિકા ખાતે લગ્ન નોંધણી કરાવેલ હતી. બંનેની કોલેજની પરીક્ષા પૂર્ણ થતાં મનીષાબેન આ ફરિયાદીનાં ઘરે રહેવા આવી ગયેલ હતા અને ત્યાર બાદ પોતાના માતા-પિતાને લગ્નની વાત કરી હતી. ત્યાર બાદ મનીષાના માતા ત્યાં આવી મનીષાને જણાવ્યુ હતું કે તારા પિતા રાજી હોય તો તું આપણા ઘરે આવ-જા કરજે તેમ કહી ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદ ગત તા. 23/7ના ફરિયાદી અને તેની પત્ની ઘરે હાજર હતા ત્યારે સુરેન્દ્ર ચારણ, વસંતીબેન સુરેન્દ્ર ચારણ, મનીષાના માસા-માસી તથા માસીનો દીકરો ત્યાં કાર લઇને આવેલ હતા અને મનીષાને લઇ જવાની વાત કરતાં તેણે ના પાડી હતી. તે સમય દરમ્યાન, ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેની પત્નીનું અપહરણ કરીને લઇ ગયેલ હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.