1.75 કરોડની છેતરપિંડી : પૂર્વ કચ્છની બેંકો સાથે ત્રણ શખ્સો દ્વારા રૂા. 1,75,67,700ની છેતરપિંડી થતાં ભારે ચકચાર
અંજાર, ગાંધીધામ, ભચાઉ તેમજ સામખિયાળીની જુદી-જુદી બેંકોમાંથી કુલ રૂપિયા 1,75,67,700 મેળવી ખાનગી એજન્સીના ત્રણ કર્મચારીએ એ.ટી.એમ. મશીનમાં રોકડ જમા કરાવવાને બદલ બારોબાર હજમ કરી છેતરપિંડી કરતાં ચકચાર મચી છે.
મળેલ માહિતી અનુસાર ગત તા.10/7 થી 25/7 દરમ્યાન આ બનાવ બનેલ હતો. ગાંધીધામના નવી સુંદરપુરી મધ્યે રહેતા અને ડોમીનેટ સીસ્ટમ પ્રા.લિ.માં કામ કરતા વસંતકુમાર અજુભાઈ પરમારે તેઓની એજન્સીમાં કસ્ટોડીયન તરીકે ફરજ બજાવતા પુના ખેતાભાઈ મહેશ્વરી રહે. મતિયાનગર, સતાપર રોડ, અંજાર, પ્રભાતસિંહ સુરસિંહ મોરી રહે. મફતનગર, અંજાર તેમજ બાબુ બુધાભાઈ માતંગ સામે ફરિયાદ નોંધવાઈ હતી. બેન્કોમાંથી નાણાં લઈ જે તે એ.ટી.એમ.માં જમા કરાવવાનું કામ કરતા આ ઈશમોએ અંજારની એચ.ડી.એફ.સી. બેન્કમાંથી 50,00,500, બેન્ક ઓફ ઈન્ડિયા અંજાર શાખામાંથી 10 લાખ, બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાંથી 14.71 લાખ, એક્સીસ બેંકમાંથી 12,50,200 એ.ટી.એમ.માં જમા કરાવવા મેળવ્યા હતા તેમજ ગાંધીધામની બેન્ક ઓફ ઈન્ડિયા શાખામાંથી 15,84,000 તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ભચાઉ શાખામાંથી 44,01,500 અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સામખિયાળી શાખામાંથી 24,60,500 ઉપાડ્યા હતા. આરોપીઓએ નાણાં એ.ટી.એમ. મશીનમાં જમા કરાવવાને બદલે બારોબાર પચાવી લીધા હતા અને નાણાં જમા કરાવાયા હોવાની એજન્સીમાં ખાતરી આપેલ હતી, પરંતુ તપાસ દરમીયાન ત્રણેય શખ્સોની પોલ ખૂલી હતી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.