મુંદ્રા વિસ્તારની કંપનીઓ અને વાડીઓમાં ચોરી અર્થે ઊતરેલી ભુજની ગેંગના ત્રણ શખ્સોને ઝડપી ચાર ચોરીનો ભેદ ઉકેલતી પ્રાગપર પોલીસ

copy image

 

મુંદ્રા ખાતે આવેલ બરાયા પાસેની આશાપુરા ગ્રુપ ઓફ કંપનીઝની ઓરિયન્ટ એડવાન્સ્ડ મટીરીયલ કંપની ઓપન સ્ટોરમાંથી રૂા. 18.66 લાખની લોખંડની પ્લેટો તથા કોટક  એગ્રો પ્રોસેસીંગ પ્રા. લિ.નાં વેરહાઉસમાંથી 61 હજારના વાયર સહિતના સરસામાનની તસ્કરી ઉપરાંત એપ્રિલમાં ખેતરની મોટરના વાયર અને પવનચક્કીના વાયર ચોરીને અંજામ આપનારી ગેંગના ભુજના ત્રણ શખ્સને પ્રાગપર પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ કુલ ચાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જ્યારે આ ગેંગના અન્ય ભુજના સાત આરોપીને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

મળેલ માહિતી અનુસાર પ્રાગપર પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન પ્રાગપર ગામ સામે આશાપુરા હોટલ નજીક ચોરી કરવાની શંકાસ્પદ હરકત સાથે ત્રણ શખ્સને ઝડપી તેઓની યુક્તિ-પ્રયુક્તિની પૂછતાછ કરતાં તેઓ ફિરોજ ઉર્ફે કારો અજીજ પઠાણ અને જાવેદ ગુલામ પઠાણના કહેવાથી તેઓની સાથે અન્ય સખ્શો મુંદરા તાલુકાના કંપનીઓ તથા વાડીઓમાં કેબલ ચોરી અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મુંદ્રા ખાતે આવેલ કંપનીઓ અને વાડીઓમાં ચોરીના આશયથી આવેલી ભુજની આ ગેંગના અબ્દુલ રજાક રહેમતુલ્લા રાણા સોઢા, મોહમદ નાસીર ઉર્ફે બાબા હાજી લંગા  અને અશરફ આમદ કેરી ફકીરને પ્રાગપર પોલીસે વિવિધ મુદ્દામાલ તેમજ ચોરીના ઉપયોગમાં લેવાયેલા વાહન સહિત કુલ રૂા. 2,11,000 ના મુદ્માલ સાથે ઝડપી પાડ્યા છે.

આ ગેંગના અન્ય મુખ્ય સૂત્રધાર ફિરોજ તેમજ જાવેદ અને સલીમ રમજુ કેરી ફકીર, જાફર લુહાર, મોહીન અબ્દુલ કેરી ફકીર, મોસીન હુશેન કેરી ફકીર અને સાદક ઇસ્માઇલ કેરીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્રણ આરોપી બાદ ચોરીની કબૂલાતના પગલે ગત દિવસે બરાયા પાસેથી ઓરીયન્ટ એડવાન્સ્ડ મટીરિયલ કંપનીના ધર્મરાજ વરુ દ્વારા  કંપનીની દિવાલના તાર તોડી કંપનીમાં ઘૂસી આવી  ઓપન સ્ટોરમાંથી  લોખંડની પ્લેટો જેની કિ. રૂા. 18,66,120ની તસ્કરી થઈ હોવાની વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જ્યારે કોટક એગ્રો પ્રોસેસીંગ પ્રા. લિ.ના ઓમપ્રકાશ લાલમણી યાદવ દ્વારા પણ કંપનીની દિવાલ કૂદી વેરહાઉસમાંથી લોખંડના ફેબ્રિકેશન માટેના વિવિધ  સામાન જેની કુલ કિ. રૂા. 61,000ની ચોરી થયા હોવાની ફરિયાદ પ્રાગપર પોલીસે મથકે નોંધાવવામાં આવેલ છે.

ગત દિવસે નોંધાવવામાં આવેલ બે ચોરી ઉપરાંત એપ્રિલ મહિનામાં પત્રીથી વાઘુરા જતા રસ્તે છસરાની સન પાવર પ્લાન્ટના અંડર ગ્રાઉન્ડના વાયર કિ. રૂા. 1,62,000ની તસ્કરી તેમજ બાબીયાની ખેતરની મોટરનો વાયર જેની કિ. રૂા. 37,800ની ચોરીને આ ગેંગે અંજામ આપ્યાની ઝડપાયેલા આરોપીઓએ કેફિયત આપેલ છે. આમ, આ ચાર ચોરીનો ભેદ પ્રાગપર પોલીસ દ્વારા ઉકેલાયો છે.