રાપર ખાતે આવેલ ગાગોદરમાં બે દિવસ બ્રેક બાદ ફરી રેતી-માટીની બેફામ ચોરીનો સિલસિલો શરૂ

copy image
રાપર ખાતે આવેલ ગાગોદરની નદી તેમજ અન્ય જમીનોમાંથી માફિયાઓ દ્વારા રેતી અને સફેદ માટીની બેફામ ચોરી થતી રહે છે. તંત્રનો કોઇ ડર ન હોય તેવી રીતે ફરી ખનીજ ચોરીની ગેરપ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવેલ છે. આ બાબતે કલેક્ટર, આઇજી, મામલતદાર સહિતના અધિકારીઓને આધારપુરાવા સાથે ફરિયાદ કરવામાં આવેલ છે.
ગામની નદી અને કેટલીક સરકારી તેમજ ખાનગી માલિકીની જમીનોમાંથી રેતી તેમજ સફેદ માટીની દૈનિક 100થી 125 જેટલી ટ્રક ભરવામાં આવી રહી છે તેવી બાબત સામે આવતા અંજારથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવ્યા હતા પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવાના બદલે ઔપચારિક મુલાકાત હોય તેમ પરત ફરી ગયેલ હતા. ખનીજ માફિયાઓ દ્વારા પણ જાણે અધિકારીઓનું માન રાખતા હોય તેમ બે દિવસ પૂરતું ખનીજ ખનન કે ટ્રકો ભરવાનું બંધ કરી દેવાયું હતું. કેટલાક જાગૃત ગ્રામજનોના કહેવા અનુસાર તંત્રના અધિકારી એકાદ-બે મશિનરી પકડીને કાર્યવાહી કરવામાં સંતોષ માની લે છે તે બાબત સૂચક છે.
લોકો દ્વારા જણાઈ રહ્યું છે કે જો ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેઇડ પાડવામાં આવે તો ખુલ્લેઆમ થતું માટીનું ખનન બંધ થઇ જવાની સાથે અધિકારી-કર્મચારીઓની ભૂમાફિયાઓ સાથેની મીલી ભગત પણ સામે આવી શકે છે. ખનીજચોરી થયા બાબતે ક્રિષ્નાસિંહ જાડેજા દ્વારા તસવીરો સહિત ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.