નખત્રાણા પાસે આવેલ ફોટ મહાદેવ સ્થાનકે ફરવા ગયેલ યુવાનનું  પાણીના ધોધમાં તણાઈ જતાં મોત નીપજયું

copy image

અબડાસા ખાતે આવેલ નાની બાલચોડ ગામની હદમાં આવેક નખત્રાણા પાસેના પ્રસિદ્ધ યાત્રાધામ ફોટ મહાદેવ સ્થાનકે નખત્રાણાના નવા નગરથી મિત્રો સાથે દર્શનીય સ્થળે ફરવા ગયેલો 30 વર્ષીય રમેશ નામનો યુવાન ધોધમાં ન્હાવા જતી વેળાએ અકસ્માતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેના કારણે ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. મરણ પામનાર યુવકના મૃતદેહને નખત્રાણા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે.

આ બાબતે સ્થાનિકના લખન દેસાઈ દ્વારા મળેલ માહિતી અનુસાર બપોરના અરસામાં  નખત્રાણાના નવા નગર ખાતે રહેતો રમેશ મિત્રો સાથે નજીકના ફોટ મહાદેવ સ્થાનકે ગયેલ હતો. જ્યાં અકસ્માતે પાણીના ધોધમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. યુવકના અકાળે અવસાનથી નગરમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અહી ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ નખત્રાણા વિસ્તારમાં આવેલા ફોટ, મહાદેવ, પાલાર ધુના, કડિયાધ્રો સહિતના વિસ્તારોમાં લોકોની ચહલ પહલ વધી જતી હોય છે, ત્યારે આ પ્રકારના સ્થળો પર તંત્ર દ્વારા સલામતીના પ્રયાસો હાથ ધરવામાં આવે તે આવશ્યક છે. આ અગાઉ પણ ગત વર્ષે પણ આજ સ્થળે એક વ્યક્તિનું ડૂબી જવાના કારણે કરૂણ મોત નિપજ્યું હતું.