આગામી સમયમાં તોરલ ગાર્ડનનું સંચાલન નગર પાલિકાને સોંપવામાં આવશે તેવી સંભાવના
મુન્દ્રા રિલોકેશન સાઇટ અને પ્રમુખ સ્વામી નગરમાં કેટલાક સમયથી બંધ પડી રહેલ તોરલ ગાર્ડન બાબતે આ વિસ્તારના રહીશો દ્વારા વધુ એક વખત કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન ગાર્ડનનું સંચાલન સંભવત: સુધરાઇને સોંપાય તેવી શક્યતા હોવાનું પ્રતિનિધિ મંડળને જાણવા મળેલ હતું.
પ્રેમલતા કાકુભાઇ રંગવાલાના નામે શરૂ થયેલો બગીચો લાંબા સમયથી તોરલ ગાર્ડન તરીકે ઓળખાય છે. છેલ્લા પાંચેક વર્ષથી જાળવણી અને સંચાલનના અભાવે ગાર્ડન ઉજ્જડ બની જતાં તોરલ ગાર્ડન વિકાસ સમિતિના સભ્યોએ કલેક્ટર સહિતની કક્ષાએ અનેક રજૂઆત કરવામાં હતી.
આ બાબતે વધુ એક રજૂઆત કલેક્ટરને કરવામાં આવી હતી એ દરમિયાન આગામી મહિને ભાડાની બોર્ડ મીટિંગમાં ગાર્ડનના સંચાલન વિશે નિર્ણય લેવાશે તેમ જાણવા મળેલ હતું. ભુજ સુધરાઇને બગીચાનું સંચાલન સોંપવામાં આવશે તેવી સંભાવના જણાઈ રહી છે. સમિતિના મુકેશ ગોર, અખિલેશ અંતાણી, ભૂપેન્દ્ર મહેતા, સુરેન્દ્ર શાહ,વિશ્રામ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.