9 વર્ષ બાદ STના ભાડાના દરમાં વધારો : કચ્છમાં મુસાફરોને 5 લાખનો બોજ
copy image
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે 9 વર્ષ બાદ એસ.ટી. બસોના ભાડામાં વધારા સહિત સુધારો કર્યો છે, જેના પરિણામે કચ્છ જિલ્લામાં સરેરાશ 35 લાખની આવકમાં 5 થી 6 લાખનો ફાયદો થશે અને 40 લાખથી 42 લાખ સુધી પહોંચશે. જેનો બોજો મુસાફરો ઉપર પડશે.
કચ્છમાં એસ.ટી.ના ભુજ ડિવિઝન અંતર્ગત ભુજ, નખત્રાણા, નલિયા, માંડવી, મુન્દ્રા, અંજાર, રાપર, ભચાઉ ડેપોમાં લોકલ, એક્સ્પ્રેસ , એસી, સીટિંગ, સ્લીપર અને વોલ્વો સહિતની બસોનું સંચાલન થતું હોય છે. ખાનગી બસ સંચાલકો અંતરિયાળ અને ખોટ થાય એવા વિસ્તારોમાં બસો મોકલતા નથી. પરંતુ, એસ.ટી. નિગમ લોકોની સુવિધા માટે આવકવાળા ઉપરાંત ખોટવાળા વિસ્તારોમાં પણ બસોનું સંચાલન કરે છે. ભુજ એસ.ટી. વિભાગીય નિયામક યોગેશ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું કે, લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા, એસ.સી. સ્લીપરમાં 15 પૈસા ભાડું વધ્યું છે, જેથી કચ્છમાંથી એસ.ટી.ને સરેરાશ 35 લાખની આવક થતી હતી જેમાં 5થી 6 લાખનો વધારો થાય એવો અંદાજ છે.