નશામાં ધૂત ડ્રાઈવર ભાગ્યો : ભુજ ડેપોથી રવાના થયેલ માંડવી-વડોદરા રૂટની બસના 18 મુસાફરો અડધે રસ્તે રઝળી પડ્યા, ડ્રાઈવરે નશો કર્યાનો મુસાફરોનો આક્ષેપ

copy image

ગુજરાત એસટીનું સૂત્ર છે એસટી અમારી સલામત સવારી, પરંતું આજે કચ્છના માંડવીથી વડોદરા તરફ નીકળેલા 18 જેટલા મુસાફરોએ અસલામત સવારીનો અનુભવ કરવાનો સમય આવ્યો હતો. એસટી બસનો ડ્રાઈવર ભુજના મેઘપર પાસે બસ મૂકીને નાશી જતા મુસાફરો રસ્તા પર  રખડી પડ્યા હતા. મુસાફરોએ એસટી વિભાગને જાણ કરતા તાત્કાલીક અન્ય ડ્રાઈવરને મોકલી બસને ભુજ ખાતે લઈ જવામાં આવેલ હતી. ડ્રાઈવર અને તેની સાથે આવેલા તેના એક મિત્ર નશો કરતા હોવાની આશંકાના પગલે મુસાફરોએ તલાશી લેતા ડ્રાઈવર તેમજ તેનો મિત્ર નાશી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરના મિત્રની બેગમાંથી દેશી દારૂની કોથળી બરામત થઈ હતી.

ગત સોમવારે સાંજના અરસામાં માંડવી-વડોદરા રૂટની એસટી બસ તેના નક્કી સમયે માંડવી ડેપોથી 18 મુસાફરો સાથે રવાના થઈ ગયેલ હતી. બસમાં સવાર મુસાફર અબ્દુલ સાઈગરના જણાવ્યા અનુસાર દોઢ કલાકના પ્રવાસ દરમિયાન રસ્તામાં બે સ્થળો પર અકસ્માત થતા ટળ્યો હતો. જેના પરીણામ સ્વરૂપે મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. મુસાફરોએ ભુજના મેઘપર નજીક બસના ચાલકને અટકાવી પૂછપરછ કરતા જ ચાલક અને તેનો મિત્ર બસ મૂકીને ભાગી ગયેલ હતા.

બસના કંડક્ટર દ્વારા જાણવા મળ્યું હતું કે,માંડવી ડેપોથી સાંજે સવા સાત વાગ્યાના અરસામાં  બસ નીકળી ગાયા બાદ આગળ વધી રહી હતી. તે દરમિયાન બસના ચાલક અને તેની સાથે આવેલા ચાલકના મિત્ર ચાલુ બસે મહેફિલ માણતા આવતા હોવાનું જણાયું હતું. તેથી મુસાફરોને શંકા જતા બાદમાં બસને રોકાવી અને ચાલકના મિત્રની બેગ તપાસ કરતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવેલ હતી જેથી બન્ને જણ બસને રસ્તા વચ્ચે છોડી નાશી છૂટેલ હતા. જેની જાણ મુસાફરો દ્વારા ભુજ ડેપોમાં થતાં વિભાગ દ્વારા અન્ય ડ્રાઇવર મૂકી હાલ બસને ભુજ ડેપોમાં લાવવામાં આવી છે.