રાપર તાલુકામા બંધ હાલતમાં પડી રહેલ સીસીટીવી કેમેરા તુરંત ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી
રાપર તાલુકામા થોડા વર્ષ અગાઉ જ લોક ફાળાથી લગાવેલા સીસીટીવી કેમેરા હાલમાં બંધ હાલતમાં પડેલા છે જેના પરીણામે નાની-મોટી ચોરીઓ, ચીલ ઝડપના કિસ્સાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તાત્કાલિક સીસીટીવી કેમેરા ચાલુ કરાય તેવી માગ ડો. આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ચીફ ઓફિસર સામે કરવામાં આવેલ હતી. જાહેર રસ્તાઓ પર રોમીયોગીરી કરતા લુખ્ખા તત્વોનો ત્રાસ તેમજ અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવવા જાહેરમાં દાદાગીરી સાથે હથિયારોના પ્રદર્શન કરવાના કિસ્સાઓ પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે. રોમીયોગીરી કરતા તત્ત્વો સ્કૂલે આવતી જતી દિકરીઓ તેમજ રાહદારી મહિલાઓને અવાર નવાર હેરાન પરેશાન કરી રહ્યા છે. આવા લોકોમા કાયદાઓનો ખોફ રહેતો હતો પણ છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં પડ્યા હોવાના કારણે ગુનાહિત કિસ્સાઓની સંખ્યામાં વધારો થયો છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા, કાયદો વ્યવસ્થા જાળવવા બંધ હાલતમા પડેલા સીસીટીવી કેમેરા ફરી ચાલુ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં હતી. અશોક રાઠોડ, સુંદર ચૌહાણ, દિલી ગોહિલ , કેશાભાઈ મેરીયા, ભરત ગોહિલ, સંજય પરમાર , મહેન્દ્ર મૂછડીયા, જયસુખ પરમાર , નાગજી ભદ્રુ, નરશી ગોહિલ, કિશન કારીયા સહિત ગ્રુપના યુવાઓ રજૂઆત દરમીયાન ઉપસ્થિત રહ્યા હતા.