ભુજ શહેરમાં ફોર વ્હિલરની ઓછી કિંમત દર્શાવી ટેક્સચોરી શંકા હોવાથી આપાઈ નોટિસ
ભુજ શહેરમાં આવેલા મોટરના શોરૂમ દ્વારા સરકારી તિજોરીને આર્થિક ધક્કો આપવાનું કૃત્ય કરવામાં આવેલ હોવાની ઘટના સામે આવી છે. વાહનની મૂળ કિંમતથી આરટીઓમાં ઓછી કિંમત બતાવી ટેક્સચોરી કરવામાં આવેલ છે. જે બાબતે આરટીઓ દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવેલ છે. કચ્છમાં સરકારી તિજોરીને ચુનો ચોપડવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં ફરી એક વખત વાહનનો ઓછો ટેક્સ ભરપાઈ કરી સરકારી તિજોરીમાં ગાબડું પાડવાની પેરવી કરાઈ રહી હોવાનો મામલો ચર્ચામાં છે.
મળેલ માહિતી અનુસાર ભુજમાં આવેલ કેડી મોટર્સ દ્વારા ગ્રાહકોને વાહન વેચાણ કર્યા બાદ તેની મૂળ કિંમત કરતા આરટીઓ કચેરીમાં ઓછી કિંમત દર્શાવીને ભરવાપાત્ર વેરાની ઓછી રકમ ભરેલ હતી આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવ્યું ત્યારે અમુક પ્રશ્નો સામે આવ્યા હતા.જેથી મૂળમાં જતા કારની કિંમત ઓછી દર્શાવેલ હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી ડીલર પાસે ખુલાસો જાણવા નોટિસ આપવામાં આવેલ છે જેમાં પ્રાથમિક તબક્કે કેડી મોટર્સના જવાબદારો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે,વાહન માલિકને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેથી વાહનની કિંમત ઓછી બતાવાઈ છે ટેક્સ તફાવતની રકમ ભરવા તૈયારી બતાવાઈ હોવાનું જાણવા મળેલ છે પરંતુ હજુ સુધી લેખિતમાં કોઈ જાણ કરવામાં આવેલ નથી. જેથી જવાબ મળ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે ઇન્ચાર્જ આરટીઓ અધિકારી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા જાણવા મળ્યું કે, ઇન્સ્પેકટર ચેકિંગમાં હતા તે દરમીયાન કારની ઓછી કિંમત હોવાનું ધ્યાને ચડ્યું હતું. જેથી ટેક્સ ઓછો હોતા કેડી મોટર્સના જવાબદારોને નોટિસ આપવામાં આવેલ છે. જેમાં તેઓએ વાહન માલિકને ડિસ્કાઉન્ટ આપેલ હોઈ કિંમત ઓછી કરાયાનું જણાવ્યું છે પણ નક્કર હકીકત જાણવા તપાસ ચાલુ છે.