ભચાઉ તાલુકાનાં સામખિયાળીમાં ઘોડાના ગમાણમાંથી 1.58 લાખનો શરાબ જપ્ત
copy image
ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં શાંતિનગર પ્લોટ વિસ્તાર બ્રાહ્મણ સમાજવાડી નઝીકથી પોલીસે રૂા. 1,58,026નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ ત્રણ શખ્સ નાશી છૂટ્યા હતા. સામખિયાળીમાં ગત દિવસે મોડી રાત્રે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન પ્રકાશ બાબુલાલ મારાજ, ભાવેશ બાબુલાલ મારાજ તથા પ્રકાશ લાલપુરી બાવાજી નામના શખ્સો શાંતિનગર પ્લોટ વિસ્તારમાં બ્રાહ્મણ સમાજવાડીની બાજુમાં ખુલ્લા વાડામાં ઘોડા બાંધવાના ગમાણમાં દારૂ રાખી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તે સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. અહીં પોલીસને આવતી જોઇ પ્રકાશ બાવાજી નામનો શખ્સ આંબલિયારા રોડ બાજુ નાસી છૂટયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ તેને પકડી શકી ન હતી. પ્રકાશ અને ભાવેશ નામના શખ્સો હાજર મળેલ ન હતા. આ ગમાણમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 150 મિ.લિ.ની 156, રોયલ ગ્રાન્ડે મેલ્ટની 750 એમ.એલ.ની 179 તથા ડેનિમ 30 ગ્રીન એપલ વોડકાની 48 બોટલ તથા ટયુબર્ગ પ્રીમિયમ બિયરના 144 ટીન એમ કુલ રૂા. 1,58,026નો શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. પંજાબ, ગોવા અને મહારાષ્ટ્રમાં બનેલો આ દારૂ અહીં કેવી રીતે આવ્યો તે હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ જગ્યાએથી નાસી જનાર શખ્સના મોબાઇલ, બાઇક નંબર જી.જે. 12 ડી.આર. 0840 પણ કબ્જે કરવામાં આવ્યા હતા.