અબડાસા ખાતે આવેલ વિંઝાણથી સાંધાણ સુધીનો 1 વર્ષ પૂર્વે બનેલ રસ્તો તૂટી જતાં વાહન ચાલકોની મુશ્કેલી
અબડાસા ખાતે આવેલ વિંઝાણથી સાંધાણ વચ્ચે એકાદ વર્ષ અગાઉ બનેલ છ કિ.મી. રસ્તો ચાલુ ચોમાસે તૂટી જતાં તપાસની માંગ સાથે તાત્કાલિક સુધારણા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નલિયાના ધારાશાત્રી લાલજીભાઈ કટુઆએ આ બાબતે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, સાંધાણથી તુતરા ફાટક, વિંઝાણ સુધીનો રસ્તો એકાદ વર્ષ પૂર્વે જ બન્યો હતો, પરંતુ આ વખતે ચોમાસામાં મોટા-મોટા ખાડા પડતાં વાહનચાલકોને મુશ્કેલીરૂપ બની ગયો છે. 6 કિલોમીટરનો રસ્તો અંદાજે 90 લાખ રૂપિયામાં બન્યો છે અને તેની પાછળ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે એમ જાણવા મળ્યું હતું. એક જ વર્ષના સમયમાં જ રસ્તો તૂટી જાય એ અત્યંત ગંભીર બાબત ગણાય. ખરેખર જે-તે એજન્સી સાથે તેની મરંમત માટે અમૂક વર્ષ નક્કી કરાયેલા હોય છે એ મુજબ ફરીથી કામગીરી કરાવવામાં આવે તેવી તેમણે માગણી કરવામાં આવેલ હતી.