ભુજ શહેરમાં વસતા દિવ્યાંગ મહિલાઓ તેમજ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી જરૂરતમંદ મહિલાઓ સિલાઇકામ દ્વારા રોજગારી મેળવવા આગળ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું
copy image
ભુજ શહેરમાં વસતા દિવ્યાંગ મહિલાઓ તેમજ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી જરૂરતમંદ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે 20 આધુનિક સિલાઇ મશીન વસાવી તાલીમ આપી કાયમી રોજગારી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલમાં 20 જેટલા સિલાઇ કારીગર લાભ લઈ રહ્યા છે. સંસ્થાએ વધુ 50 જેટલા દિવ્યાંગ અને જરૂરતમંદ ભાઇઓ-બહેનોને રોજગારી આપવા ઘડી આયોજનને કારણે લાભ લેવા સંસ્થાએ અનુરોધ કરવામાં આવ્યો છે. અંધજન મંડળ-કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા જાણવા મળ્યું કે, કોરોનાકાળ બાદ રોજગારીના સ્ત્રોત ન રહેતાં કચ્છની પરંપરા ગત હસ્તકલા અને સિલાઇકામની તાલીમ આપવાનું શરૂ કર્યું ત્યાર બાદ જથ્થાબંધ વેપારીઓનો સંપર્ક કરી કાયમી કામ મળી રહે તેવા કરેલા પ્રયત્નોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે 10 દિવ્યાંગ અને 8 ઝૂંપડપટ્ટી વિસ્તારની મહિલાઓ સવારે 9.30 થી 5.30 સુધી સિલાઇકામ માટે આવે છે. તેમને પાંચથી સાત હજાર જેટલું મહિને મહેનતાણું મળી રહે છે. સંસ્થા દ્વારા લાભાર્થીઓને લાવવા- મૂકવા વિનામૂલ્યે રિક્ષાની સેવા, સંકુલમાં આધુનિક સિલાઈ મશીન, દોરા, જરૂર હોય તો તાલીમ બધું જ નિ:શુલ્ક આપવામાં આવે છે. મોનિટરિંગ માટે ભૂમિબેન મહેતાની નિમણુંક કરવામાં આવી છે. મેનેજર શ્રી ગોહિલ અને ફિલ્ડ સ્ટાફ જથ્થાબંધ વેપારીઓનો સંપર્ક કરી કાપડ લાવવામાં આવે છે. આ વેપારીઓ તરફથી મળતી સિલાઇકામની તમામ રકમ સંસ્થા દ્વારા લાભાર્થીઓને આપવામાં આવે છે. દિવ્યાંગ ભાઈઓને પણ આવરી લઇ વધુ 50 લાભાર્થીને આ રીતે રોજગારી પૂરી પાડવામાં આવશે, જેથી ઈચ્છુક લાભાર્થીઓએ સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.