દહીંસરા ગામે આવેલ હરિ સરોવરની સુંદરતાને લાગી ઝાંખપ : ભાવિકોમાં નારાજગી
દહીસરા ગામે આવેલા પવિત્ર હરિ સરોવર આ વર્ષે 15 ઇંચથી વધારે વરસાદ પડવા છતાં છલકાવાનું બાકી છે. 30 એકરના વિશાળ પટ્ટમાં કમળ-પુષ્પો, પક્ષીઓ, રંગીન માછલીઓના અદ્ભુત કુદરતી નજારા વચ્ચે કાળી ટીલી સમાન માટીના ઢગલાથી ભાવિકોમાં નારાજગી જોવા મળી રહી છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં ગામની બહેનો વહેલી સવારે સ્નાન, પૂજા, સત્સંગ કરવા સરોવરે જાય છે. ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હોવાથી તળાવનું નામ હરિ સરોવર રાખવામા આવ્યું છે. આ તળાવ કાંઠે હારૂનશા વલીની દરગાહ આવેલી છે. દર વર્ષે ત્રણ દિવસીય મેળો ઉર્ષ મુબારક યોજવામાં આવી છે. કાંઠા ઉપર જ અતિ પુરાણું ખીજડાનું વૃક્ષ જેના નીચે બેસીને સ્વામિનારાયણ ભગવાને કથા ઉપદેશ વાર્તાઓ કરી હતી તે આજે પણ મોજુદ છે જેનો ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રીમાં ઉલ્લેખ છે. બિપોરજોય વાવાઝોડાંના સમયે વૃક્ષો ધરાશાયી થયા બાદ એમના એમ પડયા છે. સાથે સરોવરની પાળમાં પડેલું ગાબડું યથાવત જોવા મળી રહ્યું છે. વાવાઝોડાંને દોઢ માસ થઇ ગયો હોવા છતાં રીપેરિંગ બાબતે કોઈ કામ હજુ શરૂ કરાયું નથી. ઉપરાંત કોઇ જવાબદારી ઉઠાવવા પણ તૈયાર નથી.