રાપર ખાતે આવેલ ગાગોદરમાં તંત્રના દરોડા બાદ ફરી એક વખત બેફામ ખનીજ ચોરીનો ધમધમાટ શરૂ

રાપર ખાતે આવેલ ગાગોદર આસપાસ વિસ્તારમાં બેફામ થતી ચોરીના અહેવાલ પ્રકાશિત થતાં હરકતમાં આવેલા અંજારના ખાણ ખનીજ વિભાગે વિવિધ સ્થળ પર દરોડા પાડીને 5 કરોડની કિંમતના વાહનો જપ્ત કરતાં થોડા સમય માટે રેતી અને માટી ઉપાડવાની ગેરપ્રવૃત્તિ બંધ થઇ ગયેલ હતી પરંતુ માફિયાઓને તંત્રનો કોઇ ડર ન હોય તેમ ફરી ખનીજ ચોરી જારી કરી દેવાઈ છે.

રોયલ્ટી વગર માટી અને રેતી ઉસેડવા માટે કરાયેલા મહાકાય ખાડામાં પડી જવાના કારણે નિર્દોષ પ્રાણીના મોત થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. બે-ત્રણ દિવસ પૂર્વે જ ગાગોદર-અલુડા વિસ્તારમાં એક સસલું ખાણમાં પડી જતા તેનું મોત નીપજયું હતું. ગાગોદર આસપાસનો અનેક વિસ્તાર અભયારણ્યની હદમાં આવેલો છે તેમાંથી પણ ખનીજનું ખનન થઇ રહ્યું છે તેવું જાગૃત લોકો દ્વારા જાણવા મળ્યું છે. ગાગોદર-ગોરાસરમાં જંગલ હોતાં હજારોની સંખ્યામાં મોર, નીલગાય, સસલા વસવાટ કરે છે પણ રાત દિવસ મહાકાય મશીનરીના અવાજના કારણે પશુ-પક્ષીઓ અન્ય જગ્યાએ જઇ રહ્યા છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ આ દિશામાં તપાસ કરવામાં આવે તે આવશ્યક છે.