રાપર ખાતે આવેલ મોવાણાનાં રણમાં કારમાંથી 1.19 લાખના  શરાબના જથ્થા સહિત એક સખ્શની ધરપકડ કરવામાં આવી  

copy image

રાપર ખાતે આવેલ મોવાણા પાસે રણ વિસ્તારમાં જિલ્લા બહારથી આવતી કારને અટકાવાઈ હતી કારમાંથી રૂા. 1,19,650ના શરાબ સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દારૂ મોકલનાર તેમજ મગાવનારા શખ્સોનાં નામ સામે આવ્યા હતા. મોવાણા પાસે આવેલાં રણ વિસ્તારમાં ચોર રસ્તેથી એક કારમાં જિલ્લા બહારથી દારૂ આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે બી.એસ.એફ. કેમ્પ નજીક વોચ ગોઠવી હતી તે દરમીયાન સામેથી એક કાર દેખાતાં પગપાળા જઇ પોલીસે તેને અટકાવી હતી. કારના ચાલકે પોતાનું વાહન ઊભું રાખી નાસવાની કોશિશ કરતાં આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. કાર નંબર જી.જે. 27 સી. 9961ની પાછળની સીટમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમ.એલ.ની 284, રોયલ ચેલેન્જરની 750 એમ.એલ.ની 32 તથા મેકડોવેલ્સ નંબર-1ની 180 એમ.એલ.ના 227 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 1,19,650નો શરાબ કબ્જે કરેલ હતો. આ પકડાયેલા શખ્સને બનાસકાંઠા, સુઇ ગામ, સોનેથના હનુમંતસિંહ નામના શખ્સે આ કારમાં દારૂ ભરી આપ્યો હતો, જે મૂળ ખાંડેક હાલે ભારતનગર ગાંધીધામ રહેતા કરશન સરતાન ખટાણા તથા રાપરના પ્રતાપ કોળી ને આપવાનો હતો. પકડાયેલા શખ્સ પાસેથી દારૂ, કાર, મોબાઇલ વગેરે મળીને કુલ રૂા. 4,24,650નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો.