ગાંધીધામ  ખાતે આવેલ સુંદરપુરી વિસ્તારમાં રહેતા યુવાનનાં નામે 2.61 લાખની લોન પાસ કરાવી બારોબાર પચાવી લીધી

copy image

ગાંધીધામ ખાતે આવેલ સુંદરપુરી વિસ્તારમાં રહેતા એક યુવાનની સહી મેળવી તેના નામે લોન કરવી તે લોનની રકમ પોતે બારોબાર ઉપાડી લેતાં એક મહિલા સહિત ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ બાબતે શહેરના નવી સુંદરપુરી સથવારા વાસમાં રહેતા મનોજ લીલાધર બામરોલિયા દ્વારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ નોંધવાઈ હતી.

 નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીને ગત ફેબ્રુઆરી 2022માં ધંધાર્થે પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેમણે લોન લેવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેમણે ભરવાડવાસ સામે આજે સુંદરીપુરીમાં ઓફિસ ધરાવતા પાંચા ભીખા મનાણીનો સંપર્ક કર્યો હતો. આ શખ્સે લોન થઇ જવાનું કહી વ્યક્તિગત નાના સ્વરોજગારીના ધંધાઓ મંડપ ડેકોરેશન લોન રૂા. 2 લાખ ગુજરાત માઇનોરિટી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું ઓનલાઇન ફોર્મ ભરી આપેલ હતું તેમજ સહી કરવા ભુજ જવું પડશે તેમ કહી એક મહિલાના મોબાઇલ નંબર આપ્યા હતા. ફરિયાદી ભુજ ગયા બાદ આ મહિલાને ફોન કરેલ હતો. આ મહિલાએ તેમને એક વકીલની ઓફિસ ખાતે બોલાવ્યા હતા જ્યાં તેમની પાસેથી ત્રણ-ચાર કાગળમાં સહી લેવામાં આવેલ હતી. ત્યાર બાદમાં ભુજની બે-ત્રણ કચેરીઓમાં લઇ જઇ ત્યાં પણ જુદા જુદા ફોર્મમાં સહીઓ કરવવામાં આવી હતી તેમજ ફરિયાદીના ફોટા ચોંટાડયા હતા અને બાદમાં આ મહિલાએ લોન થઇ જશે તેવો વાયદો કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદીએ આ પાંચા મનાણી તથા મહિલાને ફોન કરતાં તેમણે વાયદા ચાલુ રાખ્યા હતા. બાદમાં ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરતાં તેમના નામે ભુજ તાલુકાના કેરા એક્સીસ બેંકમાં લોન થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદીએ ગાંધીધામ એક્સીસ બેંકમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેમનું ખાતું તા. 14/9/2022ના કેરા ખાતે ખૂલ્યું હતું અને તા. 29/9/ 2022ના રૂા. 2,61,119ની રકમ જમા થઇ હોવાનું સામે આવ્યું હતું તેમજ બેંક ખાતું ખોલાવવા માટે તેમનું સરનામું પણ ખોટું લખેલું હોવાનું બહાર આવ્યું હતું. આ લોન પાસ કરાવી આરોપીઓએ જુદી જુદી રીતે એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા હતા. રૂા. 2,61,119ના વિશ્વાસઘાતના આ બનાવ બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.