ગાંધીધામ શહેરની ભાગોળે આવેલા ખાનગી સી.એફ.એસ.માં એક કન્ટેનરમાંથી 10.04 કરોડનું કોકેઇન ઝડપી પાડવામાં આવ્યું
શહેરની ભાગોળે આવેલા ખાનગી સી.એફ.એસ.માં ડી.આર.આઇ.એ દશેક કન્ટેનર અટકાવી તપાસ હાથ ધરી હતી જે પૈકી એક કન્ટેનરમાંથી ચુસ્ત રીતે લપેટાયેલું એક પેકેટ મળી આવેલ હતું. આ પેકેટમાંથી કુલ રૂા. 10.04 કરોડનો 1.04 કિલો માદક પદાર્થ કોકેઇન મળતા તે જપ્ત કરવામાં આવ્યું હતું. લાકડાની આડમાં ઘુસાડાયેલો કરોડોનો માદક પદાર્થ મળતાં ભારે ચકચાર મચી હતી. આ ડ્રગ્સ ઘાનાની બનાવટનું છે અને ઈક્વાડોર મોકલવાનું હતું. ઈક્વાડોરથી મુંદરા બંદરે આયાત કરેલા કન્ટેનરોમાં લાકડાની આડમાં માદક પદાર્થ ઘુસાડાયો હોવાની ચોક્કસ પૂર્વ બાતમીના આધારે ડી.આર.આઇ.એ ગત દિવસે સવારથી ગાંધીધામ નજીક એ. વી. જોષી સી.એફ.એસ.માં દોડી જઇ તપાસ શરૂ કરી દીધી હતી.
અહીં આવેલા દશેક કન્ટેનરની ગત દિવસ સવારથી તપાસ હાથ ધરવામાં આવેલ હતી, જે પૈકી એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લાકડામાં લપેટાયેલું જોવા મળી આવ્યું હતું. તેની અંદર કેવા પ્રકારનો માદક પદાર્થ છે તે માટે એફ.એસ.એલ.ને બોલાવવામાં આવેલ છે. વિદેશથી આયાત કરાયેલા આ કન્સાઇન્મેન્ટ માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી તેમજ મુંદરા બંદરથી માલ બહાર કાઢી આ ખાનગી સી.એફ.એસ.માં લઇ જવામાં આવ્યો હતો. વર્ષ 2021થી પડેલા આ કન્ટેનરો કોઇ છોડાવવા આયાતકાર ન આવતાં અંતે તેમાં રહેલા માલની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેવામાં ડી.આર.આઇ.એ ત્યાં જઇ કન્ટેનરોની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. 220.63 મેટ્રિક ટન આ લાકડાઓની તપાસમાં પેકેટ મળી આવેલ હતું જેમાં 1.04 કિલો માદક પદાર્થ કોકેઇન હોવાનું તથા તેની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 10.04 કરોડ હોવાનો અંદાજ લગાવવા આવ્યો હતો. ગત 24/4/2022ના પણ આ ખાનગી સી.એફ.એસ.માં 17 કન્ટેનર ડી.આર.આઇ. દ્વારા રોકાવવામાં આવ્યા હતા. આ કન્ટેનરોમાં ભરેલ જીપ્સમ પણ છ મહિના સુધી અહીં પડી રહ્યું હતું. ત્યાર બાદ તપાસ એજન્સીએ કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે જીપ્સમની આડમાં રૂા. 1439 કરોડનું 205.6 કિલો હેરોઇન ઘુસાડાયું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણમાં આયાતકાર કોણ છે ? કંપની કઇ છે ? તે સહિતની વિગતો હજુ સામે આવી નથી જેની આગળની તપાસ ડી.આર.આઇ.એ હાથ ધરી છે.